લંડનઃ યુકેના વિદેશ વિભાગે ભારતના પ્રવાસે જતા બ્રિટિશ નાગરિકો માટેની એડવાઇઝરીમાં સુધારો કર્યો છે. ભારત જતા બ્રિટિશ ટુરિસ્ટને પ્રવાસ દરમિયાન ચોક્કસ નિયમોનું પાલન કરવાની ચેતવણી અપાઇ છે. હોટેલ, હોસ્ટેલ અને અન્ય એકોમોડેશનમાં રોકાણ કરનાર બ્રિટિશ ટુરિસ્ટે ભારત પહોંચીને ફોરેન, રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં નોંધણી કરાવવી પડશે. આ માટે તેમની પાસે પાસપોર્ટ અને વિઝા હોવા ફરજિયાત છે.
જો કોઇ બ્રિટિશ પ્રવાસી વિઝાની મુદત કરતાં વધુ સમય રોકાણ કરે છે તો તેને રહેવાનું સ્થળ મળવાનું મુશ્કેલ બનશે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ દ્વારા 31 જાન્યુઆરી દ્વારા સુધારેલી એડવાઇઝરી બહાર પડાઇ છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રહેવાનું સ્થળ મેળવવા માટે પાસપોર્ટ અને માન્ય વિઝા ફરજિયાત રહેશે. જો તમે ભારતમાં 180 દિવસ કરતાં વધુ રોકાણ કરવાના છો અને તમારી પાસે ઓસીઆઇ કાર્ડ નથી તો તમારે ભારત પહોંચ્યાના 14 દિવસમાં ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં નોંધણી કરાવી દેવી પડશે. જો તમે તેમ નહીં કરો તો તમને ભારત છોડવાની પરવાનગી અપાશે નહીં.