નવી દિલ્હીઃ બ્રિટિશ ભારતીય ઉદ્યોગ સાહસિક લોર્ડ કરણ બિલિમોરિયાએ એક ભારતીય ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત વિચારગોષ્ટિમાં બોલતાં જણાવ્યું હતું કે, ભારત તમામ સમુદાયોને વિકાસની પરવાનગી આપતો દેશ છે. ભારતમાં કોઇપણ લઘુમતી સમુદાયની સફળતાની કોઇ મર્યાદા નથી અને દરેકને સમાન તક મળી રહે છે. આ હું મારા પોતાના અનુભવથી કહું છું.
લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારતની વસતી અને વૈવિધ્યતાને જુઓ. હું પોતે એક પારસી છું. ભારતમાં 140 કરોડ કરતાં વધુની વસતી છે જ્યારે સમગ્ર વિશ્વમાં પારસીઓની વસતી માંડ 1,00,000 છે. દિલ્હીની 3 કરોડ કરતાં વધુની વસતીમાં ફક્ત 800 પારસી છે. આ નાનકડા લઘુમતી સમુદાયે ભારતને સેનાધ્યક્ષ, નૌકાદળના અધ્યક્ષ, એરફોર્સના વડા, સાંસદો અને ટાટા ગ્રુપ જેવું ઉદ્યોગગ્રુપ આપ્યાં છે. ભારત દરેકને વિકાસની તક આપે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત એક મહાન દેશ છે. તમામ અવરોધો પાર કરીને આગળ વધી રહ્યો છે. વિશ્વ આજે તેની પ્રશંસા કરે છે. ભારતની લોકશાહી અત્યંત મજબૂત છે અને ભારતીય સેનાએ ક્યારેય રાજનીતિમાં હસ્તક્ષેપ કર્યો નથી. મારા સ્વ. પિતા જનરલ બિલિમોરિયા સેન્ટ્રલ આર્મીમાં કમાન્ડર ઇન ચીફ હતા. ભારતમાં લશ્કરી બળવાની કોઇ સંભાવના નથી. બીજી મહત્વની વાત એ કે ભારત વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યતા ધરાવતો દેશ છે. જે તેને વધુ મજબૂત બનાવે છે.