લંડનઃ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) જૂથના ૩૪ દેશોમાં ડોક્ટરોનો પૂરવઠો પૂરો પાડનારા દેશોમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા નંબરે ચીન આવે છે. ગત દાયકામાં ઈમિગ્રેશન નીતિ વધુ સખત બનાવાયા છતાં OECD દેશોમાં કાર્યરત માઈગ્રન્ટ ડોક્ટર્સ અને નર્સીસની સંખ્યા વધીને ૬૦ ટકા થઈ છે. જોકે, માઈગ્રેશન સ્ટેટેસ્ટિક્સને સંપૂર્ણ ધ્યાનમાં લઈએ તો OECD દેશોમાં નવા માઈગ્રન્ટસની સંખ્યામાં ચીન પ્રથમ અને ભારત ચોથા ક્રમે છે. નર્સીસની બાબતમાં ૨.૨૧ લાખ નર્સ સાથે ફિલિપાઈન્સ પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત ૭૦,૪૭૨ નર્સ સાથે બીજા ક્રમે હતું. OECD દેશોમાં હેલ્થકેર પ્રોફેશનલ્સમાં એક્સપેટ્રિએટ ડોક્ટર્સ અને નર્સીનો હિસ્સો અનુક્રમે ૨૩ ટકા અને ૧૪ ટકા છે. ભારતીય માઈગ્રન્ટ્સ માટે યુએસ (૬૮.૫ ટકા), ઓસ્ટ્રેલિયા (૩૮.૨ ટકા), કેનેડા (૩૦.૬ ટકા), યુકે (૩૦ ટકા) અને જર્મની (૧૯.૫ ટકા) પસંદગીના દેશો છે.
ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલૂક (૨૦૧૫) વિશે તાજા OECD રિપોર્ટ મુજબ ૮૬,૬૮૦ એક્સપેટ્રિએટ ભારતીય ડોક્ટર્સ યુએસ, ઈયુ દેશો અને સ્વીટ્ઝર્લેન્ડ સહિત OECD ના દેશોમાં કામ કરતા હતા. ૨૦૦૦-૦૧માં આ સંખ્યા ૫૬,૦૦૦ હતી, જે ૨૦૧૦-૧૧માં વધીને અંદાજે ૮૭,૦૦૦ થઈ હતી. ચીની ડોક્ટર્સની સંખ્યા ૨૬,૫૮૩ હતી. યુએસ ૬૦ ટકા એક્સપેટ્રિએટ ભારતીય ડોક્ટર્સને નોકરી આપે છે, જ્યારે યુકે બીજા ક્રમે છે. યુએસમાં (૪૨ ટકા), યુકેમાં (૨૮ ટકા) અને ઓસ્ટ્રેલિયામાં (૯ ટકા) ભારતીય નર્સીસ કામ કરે છે.
OECD દેશોમાં વિદેશમાં જન્મેલી વસ્તીનું પ્રમાણ ૨૦૧૩માં ૧૧૭ મિલિયન (૧૧૭,૦૦૦,૦૦૦) હતુ, જે ૨૦૦૦ના વર્ષ કરતા ૩૫ મિલિયન વધુ છે. OECD દેશોમાં કાયમી માઈગ્રેશન વધીને ૨૦૧૪માં ૪.૩ લાખ થયું હતું, જે ૨૦૧૩ની સરખામણીએ ૬ ટકા વધુ છે. મોટા ભાગના નવા માઈગ્રન્ટ્સ ચીનમાંથી આવે છે. રોમાનિયા, પોલેન્ડ અને ભારત અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.
OECD દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને ૨૦૧૨માં ૩૪ લાખ વિદેશી વિદ્યાર્થી આ દેશોમાં હતાં. ઉચ્ચ શિક્ષણ માટે એશિયામાંથી આવતાં વિદ્યાર્થીમાં ચીનનો હિસ્સો ૨૨ ટકા, જ્યારે ભારત અને કોરિયાના અનુક્રમે ૬ ટકા અને ૪ ટકા વિદ્યાર્થી હતાં. ઓસ્ટ્રેલિયા, યુકે, સ્વીટ્ઝર્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રિયામાં યુનિવર્સિટી લેવલે દર છમાંથી એક વિદ્યાર્થી વિદેશનો હોય છે.