લંડન
28મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચમાં ભારતના વિજય બાદ લેસ્ટર અને તેના પરા વિસ્તારોમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સામસામી નારાબાજી અને હિંસક અથડામણોના કારણે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. પાંચમી સપ્ટેમ્બરના પોજ સ્પિની હિલ્સના બ્રિજ રોડ ખાતે એક વ્યક્તિ પર હુમલો કરાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોટ્સમોર રોડ વિસ્તારમાં પણ તેજ દિવસે બનેલી હિંસક ઘટનામાં 3 લોકોને ઇજા થઇ હતી. સ્ટેબિંગના કારણે એક વ્યક્તિને હાથમાં ઇજા થઇ હતી. તોફાનીઓ દ્વારા લેસ્ટરશાયરના એક પોલીસ અધિકારી પર પણ હુમલો કરાયો હતો. 6 સપ્ટેમ્બરના બુધવારની રાત્રે બંને સમુદાયો વચ્ચે સામસામી નારાબાજી અને તણાવમાં વધારો થતાં લેસ્ટરના પૂર્વના વિસ્તારોમાં પોલીસને પગલાં લેવાની ફરજ પડી હતી.
બે સમુદાયો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણોના પગલે પોલીસે લેસ્ટરના બેલગ્રેવ, રશે મીડ અને સ્પિની હિલ્સ વિસ્તારોમાં પોલીસને વિશે જડતી અને ટોળાંઓને વિખેરવાના વિશેષ અધિકારો અપાયાં હતાં. એન્ટી સોશિયલ બિહેવિયર, ક્રાઇમ એન્ડ પોલીસિંગ એક્ટ 2014ની ધારા 34 અને 35 અંતર્ગત ચીફ સુપ્રિટેન્ડેન્ટ એડમ સ્લોનેકીએ પોલીસ અધિકારીઓને વિશેષ અધિકારો આપ્યા હતા જે અંતર્ગત તેઓ 16 વર્ષથી નાની ઉંમરની કોઇપણ વ્યક્તિને તેના ઘેર મૂકી આવી શકે છે. પોલીસને 48 કલાકની નોટિસ જારી કરવાનો પણ અધિકાર અપાયો હતો જે અંતર્ગત નોટિસનું ઉલ્લંઘન કરનારની ધરપકડ કરી તેની સામે કાયદાકીય પગલાં લેવાની સત્તા પોલીસ અધિકારીઓને અપાઇ હતી. ક્રિમિનલ જસ્ટિસ એન્ડ પબ્લિક ઓર્ડર એકટ 1994ની કલમ 60 અંતર્ગત પોલીસ અધિકારીઓને ચોક્કસ વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિને અટકાવીને તેની તપાસ કરવાનો અધિકાર પણ અપાયો હતો. આ આદેશો 7 સપ્ટેમ્બર સુધી અમલમાં મૂકાયા હતા.
લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે, તે એકબીજા સમુદાય વિરુદ્ધની નારાબાજીને હેટ ક્રાઇમ તરીકે ગણી રહી છે. 28મી ઓગસ્ટે બનેલી હિંસક ઘટનાઓ ના સંબંધમાં પોલીસે પાંચ વ્યકતિની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. મેચ પછીના દિવસોમાં સોશિયલ મીડિયા પર હેટક્રાઇમ ફેલાવી રહેલા લોકોની પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને જણાવ્યિં હતું કે, અમારા શહેરના કેટલાક હિસ્સામાં ઘણો તણાવ પ્રવર્તી રહ્યો છે. 28મી ઓગસ્ટની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ આ તણાવ વ્યાપક બન્યો હતો. અમે બ્રિજરોડ ખાતે બનેલી ઘટનાથી વાકેફ છીએ. સોમવારે બપોરે અને મંગળવારે સાંજે પણ હાઇફિલ્ડના કોટ્સમોર વિસ્તારમાં કેટલીક ઘટનાઓ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવીને લોકોની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.
તણાવના પગલે લેસ્ટરશાયર પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં કન્ડક્ટેડ એનર્જી ડિવાઇસ સાથે 19 વર્ષીય યુવક, ઓફેન્સિવ વેપન સાથે 17 અને 24 વર્ષીય બે યુવક અને નશામાં ધૂત એવા એક 25 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.
તણાવ ઘટાડવા બે સમુદાયો વચ્ચે ઇમર્જન્સી બેઠક યોજાઇ
લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ઘટાડવા બંને સમુદાયના અગ્રણીઓની ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશન્સના પ્રવક્તા સુલેમાન નાગડીએ જણાવ્યું હતું કે, પોલીસ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું અને મુસ્લિમ સમુદાયને આશ્વાસન આપવા માટે પોલીસને વિદિત કરાઇ હતી. નાગડીએ જણાવ્યું હતું કે, લેસ્ટર શહેરમાં આ પ્રકારનો તણાવ ચિંતાજનક છે. સ્પોર્ટ્સ લોકોને એકબીજાની નજીક લાવે છે. આપણે શાંતિ અને સહિષ્ણુતા માટે અપીલ કરવાની જરૂર છે.


