લંડનઃ પાકિસ્તાનની મુલાકાતે પહોંચેલા બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામનું પાલન કરે તે માટે અમે અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. ભારત અને પાકિસ્તાન વિશ્વાસવર્ધક પગલાં ભરે અને મંત્રણાના મેજ પર આવે તે માટે પણ બ્રિટન અને અમેરિકા કામ કરી રહ્યાં છે.
લેમીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન પાડોશી તરીકેનો લાંબો ઇતિહાસ ધરાવે છે પરંતુ નજીકના ભૂતકાળમાં બંને દેશ વચ્ચે કોઇ મંત્રણા કે વાતચીત થઇ નથી. બંને દેશ વચ્ચે વધુ સંઘર્ષ ન થાય અને બંને દેશ યુદ્ધવિરામનું પાલન કરે તે અમે સુનિશ્ચિત કરીશું.
ભારતે સ્થગિત કરેલી સિંધુ જળ સંધિ અંગેના સવાલના જવાબમાં લેમીએ જણાવ્યું હતું કે અમે બંને દેશને સંધિઓનું પાલન કરવા અપીલ કરીશું. બ્રિટન આતંકવાદ રોકવા માટે પાકિસ્તાન સાથે મળીને પણ કામ કરશે.