લંડન
આગામી શિયાળાની રજાઓ પહેલાં ભારત સરકારે યુકેના નાગરિકો માટે ઇ-વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારી શરૂ થયા બાદ માર્ચ 2020થી આ સુવિધા બંધ કરી દેવાઇ હતી. લંડન સ્થિત ભારતીય હાઇકમિશને જણાવ્યું હતું કે, ટૂંકસમયમાં વિઝા વેબસાઇટ શરૂ કરાશે જેથી અરજદારો ઇ-વિઝા માટે અરજી કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2022માં યુકે અને કેનેડા જેવા કેટલાક દેશોને બાકાત રાખતા અન્ય તમામ દેશો માટે ઇ-વિઝાની સેવા શરૂ કરી દીધી હતી.
લંડન સ્થિત ભારતના હાઇ કમિશ્નર વિક્રમ કે દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમે ઇ-વિઝા સેવાની શરૂઆત કરવા જઇ રહ્યાં છીએ. ટૂંકસમયમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ અંગેની તારીખોની ટૂંકસમયમાં ઘોષણા કરાશે. આ સુવિધા દ્વારા યુકેના નાગરિકો સરળતાથી ભારતના વિઝા પ્રાપ્ત કરી શકશે. વિઝા સહિતની અમારી અન્ય તમામ સેવાઓ તમારા ઘરઆંગણા સુધી પહોંચાડવામાં આવશે. અમે સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યાં છીએ. ટૂંકસમયમાં તે કાર્યરત બની જશે.
ભારતીય હાઇકમિશનની જાહેરાત બાદ પૂર્વ સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે, ભારતીય હાઇકમિશન ઇ-વિઝાની સેવા શરૂ કરવા જઇ રહ્યું છે તેની ઘણી ખુશી છે. આ માટે અમે ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનીએ છીએ. અમે બ્રિટિશ સરકારને ભારતીય નાગરિકોને યુકેની મુલાકાત માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરવાની અપીલ કરીએ છીએ.


