ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર ઘોંચમાં, મતભેદોનું ગ્રહણ લાગ્યું

જકાત અને રોકાણકારોની સુરક્ષા મામલે મતભેદો, પીએમ મોદીના બીજા કાર્યકાળની સમાપ્તિ પહેલાં કરારને અંતિમ રૂપ અપાય તેવી સંભાવનાઓ ઓછીઃ ભારતીય સૂત્રો

Tuesday 23rd May 2023 13:15 EDT
 
 

લંડનઃ કેટલીક જકાત અને મૂડીરોકાણ અંગેના નિયમો પર પ્રવર્તી રહેલા મતભેદોના કારણે ભારત અને બ્રિટન મુક્ત વેપાર કરારની પ્રક્રિયાને આગળ વધારવામાં સંઘર્ષ કરી રહ્યાં છે. ભારતના સૂત્રોના જણાવ્યા અનુસાર 2024માં પૂરા થઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલી બને તેવી કોઇ સંભાવના દેખાઇ રહી નથી.

આ મામલા સાથે સંકળાયેલા ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે કાર અને લિકર પર ભારત દ્વારા વસૂલાનારી જકાત પર અપાનારી રાહત મુદ્દે સહમતિ સધાઇ રહી નથી. જકાત ઉપરાંત બ્રિટન ભારત પર મૂડીરોકાણને સુરક્ષિત કરવાની જોગવાઇઓ દાખલ કરવા દબાણ કરી રહ્યો છે. બ્રિટન ભાર મૂકી રહ્યો છે કે ઇન્વેસ્ટરને પ્રોટેક્શન આપશો તો જ કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી શકાશે.

ભારત અને યુકે વચ્ચેનો આ વેપાર કરાર નવી દિલ્હી માટે મહત્વનો છે કારણ કે તે સૌથી મોટો નિકાસકાર દેશ બનવા માગે છે. બીજીતરફ યુકે તેની વ્હિસ્કી, પ્રિમિયમ કાર અને લિગલ સર્વિસ માટે મોટી રાહતોની માગ કરી રહ્યો છે. બંને દેશ આ કરાર દ્વારા 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

બંને દેશો વચ્ચે રોકાણકારોને સુરક્ષા મુદ્દે મતભેદ પ્રવર્તી રહ્યાં છે. બ્રિટનની માગ છે કે કોઇ વિવાદ સર્જાય તો રોકાણકારને આંતરરાષ્ટ્રીય લવાદ પાસે જવાની મંજૂરી આપવી જોઇએ, નહીં કે પહેલા ભારતની અદાલતમાં અપીલ કરવાની જોગવાઇ રાખવી જોઇએ.

ભારતના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે નવેમ્બર 2023ની સોફ્ટ ડેડલાઇન રાખી છે પરંતુ લાગતું નથી કે આગામી વર્ષ સુધીમાં પણ આ મતભેદો દૂર થઇ શકે. આગામી મેમાં ભારતની સંસદની ચૂંટણી આવી જશે તેથી કદાચને ચૂંટણી પછી જ મંત્રણાઓ આગળ વધી શકે છે.

ભારતના દબાણ સામે રિશી સુનાક નમતું જોખે તેવી કોઇ સંભાવના નથીઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટ

10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના એક સહયોગીએ જણાવ્યું હતું કે રિશી સુનાક ભારત સાથેનો અધકચરો વેપાર સ્વીકારવા ક્યારેય તૈયાર નહીં થાય. આગામી ચૂંટણી પહેલાં રિશી સુનાક બ્રિટિશ કંપનીઓને નારાજ નહીં કરે. તે ઉપરાંત વેપાર કરારોના સંદર્ભમાં અત્યારે એવું કશું નવું નથી જેને આગામી ચૂંટણી પહેલાં સંસદમાં મંજૂરી અપાવી શકાય. એક પૂર્વ કેબિનેટ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, રિશી સુનાક કૃષિ હિતો માટે ઘણા સંવેદનશીલ છે. તેમના ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક પણ બ્રિટનના હિતોની વાત આવે ત્યારે મંત્રણાઓમાં જરા પણ નમતું જોખે તેવા નથી.

બ્રિટન મુક્ત વેપાર કરારમાંથી પીછેહઠ કરી રહ્યો હોવાના સંકેત

યુકેના ટ્રેડ ડિપાર્ટમેન્ટના એક પૂર્વ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિટને સંકેત આપવાનું શરૂ કરી દીધું છે કે તેને હવે ભારત સાથેના મુક્ત વેપાર કરારમાં પહેલા જેટલો રસ રહ્યો નથી. બ્રિટને તેના મુખ્ય મંત્રણાકાર હરજિન્દર કાંગને મેના પ્રારંભમાં જ આ મંત્રણામાંથી હટાવી લીધાં છે. આ એક એવી ઘટના છે કે તમે મેચ પૂરી થવાની 15 મિનિટ બાકી હોય અને તમારા સ્ટાર ફૂટબોલ ખેલાડીને પાછો બોલાવી લો. સરકારે કરાર પૂરો થવા સુધી તેના મુખ્ય મંત્રણાકારને હટાવ્યા ન હોત. ઓસ્ટ્રેલિયા સાથેના કરારમાં મુખ્ય મંત્રણાકાર હસ્તાક્ષર થયા ત્યાં સુધી સક્રિય રહ્યાં હતાં. જો રિશી સુનાક આ કરારમાં પીછેહઠ કરશે તો ભારત સરકાર તેને ઘણી ગંભીરતાથી લેશે અને બંને દેશના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter