લંડનઃ ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે કોમર્શિયલ ડિસ્પ્યુટ્સ’ વિષય પર ICAની કોન્ફરન્સની ચોથી આવૃત્તિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પક્ષીય સ્વાયત્તતા પ્રોસીજરના વિવાદનું કારણ બનવાના બદલે પ્રોસીજરનું વાજબીપણું બની રહે તેની ચોકસાઈ માટે સંસ્થાગત લવાદીને મજબૂત બનાવવાની જરૂર છે.
ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે તેનાથી બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નજીકના ભવિષ્યમાં વાર્ષિક અંદાજે 34 બિલિયન ડોલરની વૃદ્ધિ થવાની આશા છે જે ખરેખર અસાધારણ આકાંક્ષા છે. જોકે, મહત્ત્વાકાંક્ષાઓ યાદીઓમાં નહિ, કરારોમાં વાસ્તવિક બને છે. ભારત-યુકે આર્થિક પાર્ટનરશિપ વેપાર સમજૂતીઓ, ટેરિફ સૂચિઓ અને રોકાણોની જાહેરાતોથી જ મજબૂત બની શકે નહિ. તેના માટે ADR ફ્રેમવર્ક જોઈએ જે વાણિજ્ય આઈત્મવિશ્વાસને રોજબરોજની પ્રેક્ટિસમાં તબદીલ કરે. વેપારમાર્ગ માત્ર તેમાંથી પસાર થતાં સામાન, મૂડી, અને સર્વિસીસથી મજબૂત બનતો નથી, પરંતુ કોઈ મુશ્કેલી સર્જાશે તો બહાર ફેંકાઈ નહિ જઈએ તેમ તેના ઉપયોગને જાણનારા થકી મજબૂત બને છે.
ચીફ જસ્ટિસ કાન્તે જણાવ્યું હતું કે ભારત-યુકે વેપારને આગળ લઈ જનારું આગામી મોજું કોંગ્લોમેરેટ્સથી નહિ, પરંતુ બંને તરફના ફાર્માસ્યુટિકલ સપ્લાયર્સ, ફિન્ટેક ફર્મ્સ, ક્લીન એનર્જી બિઝનેસીસ, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને મિડ માર્કેટ ઉત્પાદકો થકી રહેશે. તેમણે સંયુક્ત ઈન્ડો-યુકે આર્બિટ્રેટર એક્રેડિટેશન અને ક્રોસ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ ટેકનોલોજી, લાઈસન્સિંગ, ફિન્ટેક પાર્ટનરશિપ્સ બ્રેકડાઉન્સ સહિતના વિવાદોના નિરાકરણ માટે તત્કાળ પ્રોટોકલ સ્થાપવાની પણ હાકલ કરી હતી.
આ પ્રસંગે માસ્ટર ઓફ રોલ્સ અને સિવિલ જસ્ટિસ ઓફ ઈંગલેન્ડ એન્ડ વેલ્સના વડા સર જ્યોફ્રી વોસ, યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડે, લો સોસાયટી ઓફ ઈંગલેન્ડ એન્ડ વેલ્સના વાઈસ પ્રેસિડેન્ટ બ્રેટ ડિક્સન, ICAના પ્રેસિડેન્ટ ડો. એન જી ખૈતાન અને ડાયરેક્ટર-જનરલ અરુણ ચાવલાએ પણ સંબોધનો કર્યા હતા.


