લંડનઃ બ્રિટન અને ભારત વચ્ચે વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યુકેના મંત્રીઓ, મેયરો અને 100થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દિલ્હી અને મુંબઈના પ્રવાસે પહોંચ્યું છે. જુલાઈ 2025માં હસ્તાક્ષર કરાયેલો ઐતિહાસિક યુકે-ઇન્ડિયા મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યા બાદ આ 1 બિલિયન પાઉન્ડનું વેપારી મિશન બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો વળાંક લાવશે. આ આર્થિક કરારોથી બ્રિટનમાં સેંકડો નવી રોજગારીઓનું સર્જન થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે. બ્રિટનના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ સાથે ઉત્તરીય પ્રદેશોના મેયરો, પર્યાવરણ અને સ્કોટલેન્ડ વિભાગના મંત્રીઓ પણ જોડાયા છે.
યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, આ વેપાર કરારથી પ્રાદેશિક વ્યાપાર માટે નવી તકો ઊભી થઈ છે, જેમાં રોકાણ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં ઉત્તરી ઈંગ્લેન્ડના મેયરો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, અદ્યતન ઉત્પાદનથી લઈને શિક્ષણ સુધીના ક્ષેત્રોમાં અમે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક એવા ભારત સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ.


