લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 23 અને 24 જુલાઇની યુકેની મુલાકાતની સાથે જ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની આ મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચેના બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે. મોદીની આ પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન તેઓ બ્રિટિશ સમકક્ષ સર કેર સ્ટાર્મર સાથે વેપાર, આર્થિક બાબતો, ટેકનોલોજી, સંરક્ષણ, સિક્યુરિટી, શિક્ષણ અને જનસંપર્ક જેવા મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે. પીએમ મોદી કિંગ ચાર્લ્સ તૃતીયની પણ મુલાકાત લેશે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્ટાર્મર સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદી પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મોદી સ્ટાર્મર સમક્ષ ખાલિસ્તાની કટ્ટરવાદીઓ અને ભારતમાં વોન્ટેડ આર્થિક અપરાધીઓનો મુદ્દો પણ ઉઠાવશે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ભારત અને યુકેના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.
બંને દેશ વચ્ચે છેલ્લા ઘણા વર્ષથી વેપાર કરાર પર ચર્ચા ચાલી રહી હતી અને મે મહિનામાં કરારને અંતિમ સ્વરૂપ અપાયું હતું. આ કરારનો ઉદ્દેશ્ય જકાતોમાં ઘટાડો કરીને બંને દેશ વચ્ચેનો વેપાર વધારવાનો છે. કરાર અંતર્ગત ભારતના લેધર, ફૂટવેર, કપડાં જેવા ઉત્પાદનો પરનો ટેક્સ નાબૂદ કરાશે જેની સામે ભારત યુકેમાંથી આયાત થતી વ્હિસ્કી અને લક્ઝરી કાર સહિતના ઉત્પાદનો પરની જકાત ઘટાડશે. બંને દેશ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 120 બિલિયન ડોલર પર લઇ જવા ઇચ્છે છે. કરાર અંતર્ગત ભારતમાંથી યુકે ખાતે થતી 99 ટકા નિકાસ પરની આયાત જકાત ઘટાડાશે.
કરાર પર હસ્તાક્ષર બાદ બ્રિટિશ સંસદની મંજૂરી લેવી પડશે અને ભારતમાં પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. હસ્તાક્ષર બાદ કરારનો સંપુર્ણ અમલ કરવામાં એક વર્ષનો સમય લાગશે.
નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય શરૂ કરશે. બંને દેશ વચ્ચે મહત્વના એવા મુક્ત વેપાર કરારને પગલે આર્થિક સંબંધો વધુ મજબૂત બનવાની સાથે અર્થતંત્રોને વેગ મળશે.