ભારત-યુકે મંત્રણામાં વર્ક વિઝા, આયાત જકાતમાં કાપ મહત્વનો એજન્ડા બની રહેશે

બ્રિટન તેની કંપનીઓને ભારતના ટેલિકોમ માર્કેટ, કાયદાકીય ક્ષેત્ર અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં પ્રવેશ મળે તેવી માગ કરી રહ્યો છે

Tuesday 26th November 2024 10:17 EST
 
 

લંડનઃ યુકે અને ભારત 2025ના નવા વર્ષમાં બહુચર્ચિત મુક્ત વેપાર કરાર પર મંત્રણાનો પુનઃપ્રારંભ કરવા તૈયાર થયા છે ત્યારે અત્યાર સુધી અવરોધરૂપ બનેલા મતભેદોનો ઉકેલ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. મંત્રણા શરૂ થવાના કારણે ગૂડ્સ, સર્વિસિઝ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સહિતના વિવિધ મુદ્દાઓ પર અધૂરા એજન્ડાને પૂરો કરવાના માર્ગ ખુલ્લા થશે.

મુક્ત વેપાર કરાર અંતર્ગત ભારત સરકાર તેના કુશળ કર્મચારીઓ માટે યુકેના આઇટી અને હેલ્થકેર સેક્ટરમાં વધુ વર્ક વિઝા અને ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી નહીંવત કરવાની માગ કરી રહી છે. ભારતમાંથી મિનરલ ફ્યુઅલ્સ, મશીનરી, કિંમતી પથ્થરો, દવાઓ, કપડાં, પોલાદ અને સ્ટીલ તથા રસાયણોની યુકેમાં મોટાપાયે નિકાસ થાય છે. ભારતની યુકેમાં કુલ નિકાસનો 69 ટકા હિસ્સો આ ઉત્પાદનોનો છે.

બીજીતરફ યુકે વ્હિસ્કી, ઇલેક્ટ્રિક વાહનો, ઘેટાના માંસ, ચોકલેટ અને ચોક્કસ કન્ફેક્શનરી આઇટમ પરની ભારતમાં વસૂલાતી આયાત જકાત ઘટાડવાની માગ કરી રહ્યો છે. બ્રિટન તેની કંપનીઓને ભારતના ટેલિકોમ માર્કેટ, કાયદાકીય ક્ષેત્ર અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં પ્રોત્સાહન મળે તેવા પગલાંની ભારત સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે.

બંને દેશ મુક્ત વેપાર કરાર આડેના અવરોધો ઝડપથી દૂર થાય તેવી આશા રાખી રહ્યાં છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે મંત્રણાના 14 રાઉન્ડ યોજાઇ ચૂક્યાં છે. જોકે બંને દેશમાં સંસદની ચૂંટણી આવી જતાં છેલ્લા કેટલાંક મહિનાથી મંત્રણા પર રોક લાગી ગઇ હતી.

ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટે કોમન્સમાં વડાપ્રધાનની હિમાયત

બ્રાઝિલ ખાતે જી-20 શિખર સંમેલન અંગેની માહિતી હાઉસ ઓફ કોમન્સમાં આપતા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારત સાથેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાનો પ્રારંભ નવા વર્ષની શરૂઆતથી જ થઇ જશે. આ કરારને પગલે બંને દેશ વચ્ચેના વેપારને પ્રતિ વર્ષે 42 બિલિયન પાઉન્ડનો વેગ મળશે. દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના મુદ્દે મારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારી ચર્ચા થઇ હતી. વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે યુકે અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સહમત થયાં હતાં. અમે સિક્યુરિટી, ફિફેન્સ, ટેકનોલોજી, ક્લાઇમેટ, હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં ઘણા આશાવાદી છીએ. તેમણે જણાવ્યું હતું કે આ કામની શરૂઆત વેપાર અને મૂડીરોકાણથી થશે. અમે નવા વર્ષની શરૂઆતથી જ મુક્ત વેપાર કરાર પરની મંત્રણાનો પ્રારંભ કરવા જઇ રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter