લંડનઃ યુકે અને ભારતમાં સંસદની ચૂંટણીઓના પગલે મહિનાઓથી સ્થગિત થઇ ગયેલી મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ ટૂંકસમયમાં શરૂ થવાની સંભાવના છે. યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લઇ મુક્ત વેપાર કરારની મંત્રણાઓની દિશા નક્કી કરશે.
લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમને સંબોધિત કરતાં રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, યુકે ભારત સાથેના વેપાર સંબંધો સુધારવા માગે છે. ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 41 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે, વેપાર કરાર દ્વારા બંને દેશના વિકાસને વેગ આપવાની યુકેની પ્રતિબદ્ધતા હું દોહરાવું છું. હું આગામી મહિને ભારતની મુલાકાતે જઇ રહ્યો છું. હું માનુ છું કે ભારત સાથેનો વેપાર અને મૂડીરોકાણ કરાર યુકે માટે અત્યંત મહત્વનો છે. મુક્ત વેપાર કરાર દ્વારા ભારત પણ વિશ્વને પૂરવાર કરી આપશે કે તે વેપારના મામલામાં અત્યંત ગંભીર છે. ભારત અને યુકે વચ્ચેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાશે ત્યારે બાકીનું વિશ્વ તેની જરૂર નોંધ લેશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત યુકે માટે ટોચની પ્રાથમિકતા ધરાવતો ભાગીદાર દેશ છે. અમે બંને દેશ વચ્ચેના સંબંધોના તમામ પાસાને વધુ મજબૂત બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવીએ છીએ.
ભારત અને યુકે વચ્ચે આરોગ્યમાં ભાગીદારી માટે પાંચ વર્ષનો કરાર
ભારત અને યુકેએ હેલ્થ અને લાઇફ સાયન્સ ભાગીદારીને લંબાવતા પાંચ વર્ષના એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં છે. બંને દેશ ક્રિટિકલ હેલ્થ સેક્ટરમાં સહકાર વધુ મજબૂત બનાવશે. ગયા સપ્તાહમાં નવી દિલ્હી ખાતે આયોજિત મુલાકાતમાં ભારતના આરોગ્ય મંત્રી જે પી નડ્ડા, યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ હેલ્થ એન્ડ સોશિયલ કેર વેસ સ્ટ્રીટિંગ અને ભારતમાં યુકેના એક્ટિંગ હાઇ કમિશ્નર ક્રિસ્ટિના સ્કોટ સામેલ થયાં હતાં. આ એમઓયુ અંતર્ગત બંને દેશ સાથે મળીને વૈશ્વિક આરોગ્ય પડકારોને પહોંચી વળવા પ્રયાસ કરશે. જેમાં ડિજિટલ હેલ્થ રિસર્ચ અને દવાઓના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરાશે.


