લંડનઃ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર છેલ્લા એક વર્ષથી સ્થગિત થઇ ગયેલી મંત્રણાઓનો 25 ફેબ્રુઆરીના સોમવારથી પુનઃપ્રારંભ કરાયો છે. બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ), બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (બીઆઇટી) અને ડબલ-કન્ટ્રીબ્યુશન કન્વેન્શન અથવા તો સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ પર ચર્ચાનો વિધિવત પ્રારંભ કરાયો છે.
ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટનના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સાથે સંયુક્ત નિવેદન જારી કરતાં ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બંને દેશ પ્રસ્તાવિત વેપાર કરાર, ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી અને સિક્યુરિટી એગ્રીમેન્ટ પરની મંત્રણાઓ ઝડપી બનાવશે. નવેમ્બર 2024માં જી-20 શિખર સંમેલન ખાતે બંને દેશના વડાપ્રધાનો વચ્ચે થયેલી ચર્ચા બાદ મંત્રણાનો પુનઃપ્રારંભ કરાયો છે.
ગોયલે જણાવ્યું હતું કે, આ એક અલગ ચીલો ચાતરનારો મુક્ત વેપાર કરાર બની રહેશે. વેપાર કરારના અમલ બાદ એક દાયકામાં ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર બેથી ત્રણ ગણો વધી જશે. ગોયલે કેટલાક મીડિયા રિપોર્ટને નકારી કાઢતા જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન કોઇપણ વેપાર કરારની મંત્રણાનો હિસ્સો હોઇ શકે નહીં.
બ્રિટનના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, વેપાર મંત્રણાઓમાં હંમેશા સંવેદનશીલ મુદ્દા હોય છે જેનો તમારે આદર કરવો પડે છે. ઇમિગ્રેશનના મુદ્દા પર રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન એક અલગ મુદ્દો છે તેનો વેપાર કરાર મંત્રણામાં સમાવેશ થતો નથી. ભારત સાથેનો વેપાર કરાર અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.
જોકે બંને નેતાઓએ મંત્રણાઓ ક્યારે પૂરી થશે તે અંગેની સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો હતો. ગોયલે જણાવ્યું હતું કે, વેપાર કરાર ઝડપથી કરાશે પરંતુ તેમાં ઉતાવળ નહીં હોય. મંત્રણાકારોને મતભેદો દૂર કરવા સાથે મળીને કામ કરવાની સૂચના અપાઇ છે.
યુકેમાં ઓપરેટ કરતા ભારતીય બિઝનેસની લાંબાસમયથી પડતર માગો
યુકેમાં ઓપરેટ કરી રહેલા ભારતીય બિઝનેસ ટૂંકાગાળા માટે સ્કીલ્ડ ભારતીય પ્રોફેશનલ્સને યુકેમાં લાવવા પર વેઠવા પડતા વધારાના આર્થિક બોજાને ઘટાડવા લાંબાસમયથી માગ કરી રહ્યાં છે. નેશનલ ઇન્શ્યુરન્સના કારણે તેમને પ્રતિ કર્મચારી પ્રતિ વર્ષ 500 પાઉન્ડનો વધારાનો બોજો વેઠવો પડે છે. તે ઉપરાંત હેલ્થ સરચાર્જ અને અન્ય ટેક્સ પણ ચૂકવવા પડે છે.