લંડનઃ બ્રિટનની મુલાકાતે આવેલા ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બ્રિટનની લાંબી રેટિફિકેશન પ્રોસેસના કારણે બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર કાર્યાન્વિત થતાં લાંબો સમય લાગી શકે છે. ભારતમાં વેપાર કરારોને ઝડપી મંજૂરી મળી જાય છે જ્યારે યુકેમાં આ પ્રક્રિયા લાંબી છે તેથી મને લાગે છે કે આગામી કેટલાક મહિના સુધી વેપાર કરાર લાગુ કરી શકાશે નહીં.
ઇન્ડિયા ગ્લોબલ ફોરમ ખાતે યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સાથે ભાગ લેતાં ગોયલે જણાવ્યું હતું કે, આગામી 12 મહિનામાં અમે એક તરફ ટ્રેડ ડીલ સંપુર્ણ કરવાનો પ્રયાસ કરીશું અને બીજીતરફ ભારત અને યુકેની વધુને વધુ કંપનીઓ એકબીજા સાથેનો સહકાર વધારશે.
ગોયલે વેપાર કરારને ગૂડ મેરેજ ગણાવતાં જણાવ્યું હતું કે, આ કરાર લાંબા સમય સુધી ટકી રહેશે. બંને દેશ વચ્ચેના વેપારનું રક્ષણ કરશે અને આગામી પાંચ વર્ષમાં બંને દેશ વચ્ચેનો વેપાર બમણો થશે. ભારત અને યુકે એકબીજા સાથે મળીને વધુ સારી સપ્લાઇ ચેઇન તૈયાર કરી શકે છે.