ભારત-યુકે વેપાર કરાર વિશ્વ માટે 'ફોર્સ મલ્ટિપ્લાયર' સાબિત થશેઃ ગોયલ

વેપાર કરારથી બંને દેશોના વ્યવસાયો એકબીજાના અર્થતંત્રને ટેકો આપી શકશે અને પરસ્પર વિકાસના નવા દ્વાર ખુલશેઃ ભારતના વાણિજ્ય મંત્રી

Tuesday 30th June 2026 11:04 EDT
 
 

લંડનઃ લંડનમાં આયોજિત 'ઈન્ડિયા ગ્લોબલ ફોરમ'ની 'યુકે-ઇન્ડિયા વીક 2026'ને સંબોધતા ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો વેપાર કરાર વેપાર, મૂડી રોકાણ અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને મજબૂત કરીને વૈશ્વિક અર્થતંત્ર માટે 'ફોર્સ મલ્ટિપ્લાયર' તરીકે કામ કરવા સંપૂર્ણપણે સજ્જ છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી વર્ષો જતાં નોંધપાત્ર રીતે વિસ્તરી છે અને તે બહુઆયામી ક્ષેત્રોને આવરી લેતા અત્યંત વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે વધી રહેલી ભાગીદારી બંને દેશોના સંબંધોના ઊંડાણ અને વ્યાપકતાને દર્શાવે છે. આ સંબંધો હવે માત્ર પરંપરાગત વેપાર પૂરતા મર્યાદિત નથી પરંતુ તેમાં ટેકનોલોજી, રોકાણ, સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગનો પણ સમાવેશ થાય છે. આતંકવાદ સામેની લડાઈ અને વૈશ્વિક શાંતિ તથા સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો સમાન ઉદ્દેશ્યો ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ અને સ્પર્ધાત્મક બનવા, બંને દેશને વૈશ્વિક વેલ્યૂ ચેઈનનો અભિન્ન હિસ્સો બનવા માટે પ્રેરિત કરશે, જેનાથી બંને દેશોના વ્યવસાયો એકબીજાના અર્થતંત્રને ટેકો આપી શકશે અને પરસ્પર વિકાસના નવા દ્વાર ખુલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter