ભારત-યુકે વેપાર કરારઃ આગામી 3 મહિનામાં હસ્તાક્ષરની સંભાવના

બંને દેશ વચ્ચેનો વેપાર કરાર અમલી બનતાં એક વર્ષનો સમય લાગી શકે છે

Tuesday 13th May 2025 11:10 EDT
 
 

લંડનઃ  ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને યુકે વચ્ચે મંજૂર કરાયેલા મુક્ત વેપાર કરાર પર 3 મહિના બાદ હસ્તાક્ષર થઇ શકે છે અને તેના અમલમાં એક વર્ષનો સમય લાગી શકે છે. ગયા સપ્તાહમાં નવી દિલ્હી અને લંડન વચ્ચે મુક્ત વેપાર કરાર પરની મંત્રણા સમાપ્ત થઇ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, જો યુકે ભારત પર કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ લાગુ કરશે તો નવી દિલ્હીને સામા પગલાં લેવાનો અધિકાર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે બંને દેશ મુક્ત વેપાર કરારની સમજૂતિઓ પર અંતિમ નિર્ણય લેવામાં સફળ રહ્યાં હતાં. આ વેપાર કરાર અમલી બનતા એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેથી તેના તાત્કાલિક કોઇ લાભ થવાના નથી. યુકે સરકારને આશા છે કે ટેરિફમાં ઘટાડાના કારણે યુકેમાં મોંઘવારીમાં ઘટાડો થશે. બ્રિટિશ કાર અને વ્હિસ્કી ઉત્પાદકોને પણ આ કરારથી મોટો લાભ થશે. આ પગલાંને કારણે ભારતીય ગ્રાહકોને પણ ખરીદીમાં વધુ વિકલ્પ મળી રહેશે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશોની આયાતો પર લગાવાયેલી ટેરિફના કારણે ઘણા દેશોને પરસ્પર વેપાર કરાર કરવાની ફરજ પડી રહી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથેના કરાર બાદ ભારત સાથેનો કરાર યુકેનો ત્રીજો સૌથી મોટો વેપાર કરાર છે.

વેપાર કરારની ઇમિગ્રેશન સિસ્ટમ પર અસર નહીં પડેઃ ટ્રેડ સેક્રેટરી

બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે કરાયેલા વેપાર કરારની ઇમિગ્રેશન સિસ્ટમ પર કોઇ અસર નહીં પડે. કરારમાં ઇમિગ્રેશન નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી. હા, બિઝનેસ મોબિલિટી માટે કેટલાંક બદલાવ જરૂર કરાયાં છે. કરારના પગલે ભારતીય રસોઇયા, યોગ ટીચર, સંગીતકારો કોન્ટ્રાક્ટ સર્વિસ સર્વિસ રૂટનો લાભ લઇ શકશે.

વેપાર કરારમાં કર રાહત આપવા બેડનોક સહમત હતાઃ ભારતીય અધિકારીઓ

ભારત અને યુકે વચ્ચેના વેપાર કરારમાં યુકેમાં ભારતીય કામદારોને નેશનલ ઇન્શ્યુરન્સમાંથી મુક્તિ આપવાની જોગવાઇનો હાલ વિરોધ કરી રહેલા કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોક જ્યારે પોતે બિઝનેસ સેક્રેટરી હતા ત્યારે આ જોગવાઇ માટે સહમત થયાં હતાં. ભારત ખાતેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેડનોક બિઝનેસ સેક્રેટરી હતા ત્યારે આ મામલે સહમત થયા હતા અને હવે વિરોધ કરી રહ્યાં છે. જોકે બેડનોકે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

યુકે ભારતની આ આયાતો પર ટેરિફ ઘટાડશે

-          કપડાં અને ફૂટવેર

-          ફ્રોઝન પ્રોન્સ સહિતની ફૂડ પ્રોડક્ટ્સ

-          જ્વેલરી અને જેમ્સ

-          કેટલાક પ્રકારની મોટરકાર

ભારત યુકેની આ આયાતો પર કર ઘટાડશે

-          કોસ્મેટિક્સ

-          સ્કોચ વ્હિસ્કી

-          હાયર વેલ્યૂડ કાર

-          લેમ્બ, સાલમન, ચોકલેટ અને બિસ્કિટ સહિતની ફૂડ આઇટમ

-          મેડિકલ ડિવાઇસ

-          એરોસ્પેસ

-          ઇલેક્ટ્રિકલ મશીનરી




to the free, weekly Gujarat Samachar email newsletter