ભારત-યુકે વેપાર કરારના અમલના છેલ્લા તબક્કામાં જ ગ્રહણ

સ્ટીલ આયાતના નવા નિયમો બન્યા અવરોધ

Tuesday 19th May 2026 12:16 EDT
 
 

લંડનઃ ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચેના મહત્વાકાંક્ષી મુક્ત વ્યાપાર કરારના અમલીકરણમાં અંતિમ ઘડીએ ટેકનિકલ અવરોધ ઊભો થયો છે. બ્રિટન દ્વારા આગામી 1 જુલાઈથી સ્ટીલની આયાત પર લાગુ કરવામાં આવનારા નવા નિયમોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ નિયમો મૂળ વાટાઘાટોનો હિસ્સો નહોતા.

ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, બંને દેશો આ મુદ્દાનું રચનાત્મક સમાધાન શોધવા માટે પ્રયત્નશીલ છે જેથી વહેલી તકે કરારને કાર્યરત કરી શકાય. બ્રિટને તેની નવી સ્ટીલ વ્યૂહરચના હેઠળ 1 જુલાઈથી ડ્યુટી-ફ્રી સ્ટીલ આયાતના ક્વોટામાં 60 ટકાનો મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. ક્વોટા મર્યાદા પૂરી થયા પછી સ્ટીલની આયાત પર 50 ટકા ટેરિફ લાગશે, જે અત્યાર સુધી 25 ટકા હતો.

ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર જુલાઈ 2025માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અગાઉ ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મે 2026 સુધીમાં આ કરાર લાગુ થવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, સ્ટીલ સેક્ટરમાં સર્જાયેલા આ નવા અવરોધને કારણે અમલીકરણની તારીખમાં થોડો વિલંબ થવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter