ભારત-યુકે વેપાર કરારનું ભાવિ ડામાડોળ

ભારત પેપર ડીલ ઇચ્છી રહ્યો છે, અમે અર્થવિહિન કરાર પર હસ્તાક્ષર કરવા ઇચ્છતા નથીઃ બ્રિટન

Tuesday 13th February 2024 10:53 EST
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારનું ભાવિ ડામાડોળ બન્યું છે. મહત્વના મુદ્દાઓ પર નમતું નહીં જોખવાના વલણના કારણે હવે ભારત અને યુકે વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઇ ગયું છે. એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત છૂટછાટો હાંસલ કરવા માટે પેપર ડીલ ઇચ્છી રહ્યો છે અને પછી એમ કહેશે કે જુઓ અમે સિદ્ધી હાંસલ કરી છે. પરંતુ અમે એવા કોઇ કરાર પર હસ્તાક્ષર કરવા ઇચ્છતા નથી જે અર્થવિહિન હોય. ભારત અને યુકેમાં સંસદની ચૂંટણીઓ આવી રહી હોવાથી ભારત યુકે પર મુક્ત વેપાર કરાર સ્વીકારી લેવાનું દબાણ કરી રહ્યો છે. નવી દિલ્હી બ્રિટિશ ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક પર રાજકીય દબાણ વધારી રહી છે. મંત્રણાકારોની ટીમ દ્વારા ઓફર કરાતી શરતો અપુરતી છે અને સરકાર દ્વારા તેને સ્વીકૃતિ અપાવાની સંભાવના ઓછી છે. તેનાથી ભારતીય બજારોમાં અર્થપૂર્ણ તકો પ્રાપ્ત થઇ શકશે નહીં. ભારત એક પેપર ડીલ ઇચ્છે છે જેથી તેઓ બતાવી શકે કે જૂઓ અમે આ સિદ્ધી પ્રાપ્ત કરી છે. પરંતુ અમે આ પ્રકારના અર્થવિહિન કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર નથી. બીજા એક બ્રિટિશ અધિકારીએ જણાવ્યું હતું કે, 2024ના પ્રારંભથી બંને દેશ વચ્ચે સતત મંત્રણા ચાલી રહી હોવા છતાં કોઇ અર્થપૂર્ણ પ્રગતિ સાધી શકાઇ નથી.

ભારતીયોના સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ અવરોધ, રોક લગાવવા ભારતના પ્રયાસ

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર આડે યુકેમાં કામ કરતા ભારતીયો માટે કરોડો પાઉન્ડના સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ પર રોક લગાવવાના ભારતના પ્રયાસો અવરોધ બની રહ્યાં છે. ભારત ઇચ્છે છે કે ચોક્કસ સમયગાળા માટે બ્રિટનમાં કામ કરવા આવતા ભારતીય કામદારો પાસેથી સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સની વસૂલાત ન થાય. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક આ પ્રકારની સંવેદનશીલ છૂટછાટ આપવાના પક્ષમાં નથી. ભારતીય ક્લાયન્ટ્સ સાથે કામ કરતી બિઝનેસ કન્સલ્ટન્સી મૂર કિંગ્સ્ટન સ્મિથનો અંદાજ છે કે ગયા વર્ષે બ્રિટનમાં 22,000 નવા ભારતીય કામદારો આવ્યા હતાં અને આ પ્રકારની સિક્યુરિટી ડીલના કારણે બ્રિટિશ તિજોરીને 200 મિલિયન પાઉન્ડનું નુકસાન થઇ શકે છે. જો આ છૂટછાટ આપવામાં આવે તો યુકેમાં ટેમ્પરરી કોન્ટ્રાક્ટ પર આવતા ભારતીય કામદારોને લાભ થઇ શકે છે. ભારત ફ્રાન્સ સાથે આ પ્રકારની સંધિ ધરાવે છે જ્યારે બ્રિટન કેનેડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારનો કરાર ધરાવે છે.

ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ બે વર્ષ યુકેમાં રહેવાની પરવાનગી આપવા ભારતની માગ

ભારત સરકારની એવી પણ માગ છે કે યુકેમાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયો બાદ બે વર્ષ યુકેમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. ઇમિગ્રેશન ઘટાડવાના પ્રયાસ કરી રહેલી સુનાક સરકાર માટે આ એક કપરું કાર્ય છે.

બ્રિટન દ્વારા વિવિધ જકાતોમાં મોટી રાહતની માગ

બ્રિટન પણ ભારત પાસે મોટી માગ કરી રહ્યો છે જે પૂરી કરવી ભારત સરકાર માટે શક્ય નથી. બ્રિટન ઇચ્છે છે કે સ્કોચ વ્હિસ્કી પરની ડ્યટી 150 ટકાથી ઘટાડવામાં આવે. ભારત સ્કોચ વ્હિસ્કીનો મોટો આયાતકાર દેશ છે તેથી યુકેની આ એક મહત્વની માગ છે. ભારતીય ઉત્પાદકો પણ બ્રિટિશ ઉત્પાદનો પરની જકાત ઘટાડવાનો વિરોધ કરી રહ્યાં છે. ભારત બ્રિટિશ ઉત્પાદનો પર 100 ટકા જકાત વસૂલવા માગે છે જ્યારે યુકે ઇચ્છે છે કે હાલ 75 ટકા અને ત્યારબાદ જકાત ઘટાડીને તબક્કાવાર 30 ટકા કરાય. બ્રિટન ઇચ્છે છે કે ભારત ઓટોમોબાઇલ્સ પરની જકાત પણ ઓછી કરે. બ્રિટન એકાઉન્ટન્સી, આકિટેક્ચર અને ટેકનોલોજી સેક્ટરમાં પણ મોટા હિસ્સાની માગ કરી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter