લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારમાં આયુર્વેદ ઉત્પાદનોને સામેલ નહીં કરાય તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક ભારતીય અખબારના અહેવાલ અનુસાર યુકેમાં ફક્ત નાની બીમારીઓ માટે જ હર્બલ અથવા તો હોમિયોપેથિક દવાઓને પરંપરાગત હર્બલ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે. ગંભીર બીમારીઓ માટે આયુર્વેદિક ઉત્પાદનોને આકરા પરીક્ષણમાંથી પસાર થવું પડશે.
આયુર્વેદિક ઉત્પાદનો માટેની યુકેની નીતિઓથી જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંભીર બીમારીઓમાં સારવાર માટે અધિકૃત થવા આયુર્વેદિક ઉત્પાદકે તેના ઉત્પાદનની સુરક્ષા, ગુણવત્તા અને અસરકારકતા પૂરવાર કરતી ક્લિનિકલ ટ્રાયલોની માહિતી ઉપલબ્ધ કરાવવાની રહે છે. ત્યારબાદ જ તેને યુકેમાં વેચાણની મંજૂરી મળી શકે છે.
ભારતીય આયુર્વેદિક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતી મોટી સંખ્યામાં વસ્તુઓને આવરી લેતી એક નીતિ યુકેમાં અમલી છે. યુકેની મેડિસિન રેગ્યુલેટરી એજન્સી દ્વારા 2014માં જારી કરાયેલી યાદીમાં આયુર્વેદિક ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી ઘણી જડીબુટ્ટીઓ પર પ્રતિબંધ છે. એક સવાલના જવાબમાં સૂત્રે જણાવ્યું હતું કે, યુકે આયુર્વેદિક ઉત્પાદનો માટે અલગ રીતે નિર્ણયો લેશે. આ નીતિ બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારથી અલગ રહેશે.


