લંડનઃ ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયા હતા. ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને બ્રિટનનાં બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડસે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આ કરાર બન્ને દેશો માટે ઉપકારક ગણાવ્યો હતો.
બન્ને દેશોના ઉત્પાદનોને કરમુક્તિનો લાભ
આ સમજૂતી કરારના પગલે ભારતમાંથી બ્રિટનમાં કરાતી 99 ટકા નિકાસને બ્રિટનમાં ટેરિફમાં રાહત મળશે. ભારતમાંથી બ્રિટનમાં મોકલાતી ચીજવસ્તુઓ પર લાગતો ટેક્સ કે ટેરિફ ઘણો ઓછો થઈ જશે કે શૂન્ય થઈ જશે.
બીજી તરફ, બ્રિટનની કંપનીઓને પણ ફાયદો થશે અને તેમને ભારતમાં વ્હિસ્કી, મોટરકાર તેમજ અન્ય ઉત્પાદનો વેચવાનું આસાન બનશે. ભારત આ ચીજવસ્તુઓ પરની ટેરિફ 15 ટકાથી ઘટાડીને 3 ટકા કરશે.
વેપારમાં વર્ષે રૂ. ૩ લાખ કરોડનો વધારો
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી બંને દેશો વચ્ચેનો વેપાર દર વર્ષે રૂ. 3 લાખ કરોડ વધશે. બંને દેશો વચ્ચેનો વેપાર પાંચ ગણો વધી શકશે. બન્ને દેશોના વાણિજ્ય પ્રધાન દ્વારા કરાર પર હસ્તાક્ષર કરાયા છે, પરંતુ આ કરારને બ્રિટનની સંસદમાં મંજૂર કરતા 6 મહિનાથી એક વર્ષ લાગી શકે છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ કરાર થયા પછી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 120 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ કરારને પગલે બંને દેશોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
ભારતમાં શું સસ્તું થશે?
• સ્કોચ વ્હિસ્કી અને જિન: ટેરિફ 150 ટકાથી તત્કાળ ઘટીને 75 ટકા કરાશે. 10 વર્ષમાં તે ઘટાડીને 40 ટકા કરાશે.
• લક્ઝરી કાર: બ્રિટનમાં બનેલી કાર પરની આયાત ડયૂટી 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે. રોલ્સ-રોયસ, જગુઆર, લેન્ડ રોવર સસ્તી થશે.
• સોફ્ટ ડ્રિંક્સ - કોસ્મેટિક્સ: બ્રિટનથી આયાત થતાં સોફટ ડ્રિંક્સ અને કોસ્મેટિક્સ જેવા ઉત્પાદનો પરનો સરેરાશ ટેરિફ 15 ટકાથી ઘટાડી 3 ટકા કરાશે.
• મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ: મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ જેવા ઉત્પાદનો બ્રિટનથી પોસાય તેવા ભાવે આયાત કરી શકાય છે.
• ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ: બ્રિટનથી આવતા મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સ પરનો ટેક્સ ઘટશે.
• જૂતાં, કપડાં અને ફેશન ઉત્પાદનો: બ્રિટનથી આયાત થતાં જૂતા, કપડાં, ફેશન એસેસરીઝ અને ચામડાના ઉત્પાદનો પરની ડ્યૂટી ઘટશે.
• ફૂડ પ્રોડક્ટ: ચોકલેટ અને બિસ્કિટ જેવા બ્રિટિશ ફૂડ પ્રોડક્ટ પરની ટેરિફ ઘટશે.
• ઝવેરાત અને રત્નો: યુકેથી આવતા ઝવેરાત અને રત્નો પર કસ્ટમ ડયૂટી ઘટતાં તેની કિંમત ઘટી શકે છે.