ભારત યુકે સાથે મજબૂત સંબંધો માટે પ્રતિબદ્ધઃ નરેન્દ્ર મોદી

ભારત 21મી સદીનો ઉભરતો સુપર પાવર દેશ છેઃ ડેવિડ લેમી

Tuesday 30th July 2024 12:58 EDT
 
 

લંડનઃ ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ 24 જુલાઇ બુધવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, ભારત યુકે સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારને ઝડપથી પૂરો કરવાની ઇચ્છાને પણ આવકારે છે. મોદીએ બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર દ્વારા ભારત અને યુકે વચ્ચેની વ્યૂહાત્મકભાગીદારી વધુ વ્યાપક અને મજબૂત બનાવવાને અપાયેલી પ્રાથમિકતાની પણ પ્રશંસા કરી હતી.

ડેવિડ લેમી છેલ્લા 3 મહિનાથી સ્થગિત થઇ ગયેલી મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓના પુનઃપ્રારંભ અને ક્લીન એનર્જી, નવી ટેકનોલોજી અને સિક્યુરિટી જેવા મહત્વના મામલાઓમાં દ્વિપક્ષીય ભાગીદારીને વેગ આપવા બે દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમી સાથેની મુલાકાતથી ઘણો આનંદ થયો છે.

ડેવિડ લેમીએ ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે મુલાકાત કરીને બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. લેમીએ તેમની આ મુલાકાતને બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરાર માટે અત્યંત મહત્વની ગણાવી હતી.

લેમીએ જણાવ્યું હતું કે, ભારત 21મી સદીનો ઉભરતો સુપર પાવર દેશ છે. વિશ્વમાં 140 કરોડની વસતી ધરાવતો આ દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર ધરાવે છે. અમારી મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ બેંગલોરથી બર્મિંગહામ સુધી વિકાસ સાધવાની અમારી મહત્વાકાંક્ષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter