બેકબેન્ચ બિઝનેસ કમિટી દ્વારા તા.૧૨ જાન્યુઆરીએ ‘ ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતી જૂથો પર અત્યાચાર’ વિષય પર ડિબેટ યોજાઈ હતી. લંડનના બ્રિટિશ ભારતીય વિનુભાઈ સચાણીયાએ તેના વિષયમાં સૂચન અંગે સાંસદ થેરેસા વિલિયર્સને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પાકિસ્તાન વિશે ડિબેટ યોજાય તો તે યોગ્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ત્યાં લઘુમતી હિંદુઓ, શીખો, ખ્રિસ્તીઓનું પદ્ધતિસર ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે અથવા તો તેમનો સફાયો કરાય છે. તેમના ધાર્મિક સ્થળો પણ તોડી નંખાય છે. તેમણે જણાવ્યું કે ભારત લોકશાહી દેશ છે અને તે નાગરિકોના મૂળભૂત હક્કોમાં માને છે. તે તેના નાગરિકોમાં કદી ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ અથવા અન્ય કોઈપણ રીતે ભેદભાવ કરતો નથી.
યુકે હાલ કોરોના વાઈરસની ગંભીર અસરમાંથી પસાર થઈ રહ્યું છે. પાર્લામેન્ટના ચૂંટાયેલા સભ્યો યુકેમાં મહામારીને અગ્રીમતા આપવાને બદલે પૂરાવાના સમર્થન વિનાના અને ભારત સરકારની નીતિ વિરુદ્ધના વિષયો પર ડિબેટ કરી રહ્યા છે તે જાણીને આશ્ચર્ય થયું.
તેમણે આ ડિબેટમાં ભારત વિરુદ્ધ થઈ રહેલા અપપ્રચારને પડકારવા અને દરમિયાનગીરી કરવા સાંસદ વિલિયર્સને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ડિબેટનો એકમાત્ર ઉદ્દેશ બ્રિટિશ કોમ્યુનિટીનું વિભાજન તથા યુકે - ભારત સંબંધોમાં ભાગલા પડાવવાનો છે.

