લંડન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહમાં યુકેના તેમના સમકક્ષ રિશી સુનાક સાથે ફોન પર વાતચીત કરીને લંડનમાં ભારતીય હાઇ કમિશન પર તોડફોડમાં સંડોવાયેલા સહિતના ભારત વિરોધી તત્વો સામે કડક હાથે પગલા લેવાની માગ કરી હતી. મોદીએ યુકેમાં શરણ લઇ રહેલા ભારતના આર્થિક અપરાધીઓને ઝડપથી ભારતને સોંપવાની પણ અપીલ કરી હતી.
ભારતીય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર રિશી સુનાકે નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય હાઇ કમિશન પર કરાયેલા હુમલાને યુકે સંપુર્ણ અસ્વીકાર્ય માને છે. સુનાકે ભારતના વડાપ્રધાને ભારતીય હાઇ કમિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપી હતી. રિશી સુનાકે ફરી એકવાર ભારતીય હાઇ કમિશન ખાતે આચરાયેલી હિંસાને વખોડી કાઢી હતી અને મોદીને જણાવ્યું હતું કે, યુકેમાં કટ્ટરવાદને કોઇ સ્થાન નથી. સુનાકે મોદીને ભારતીય મિશનના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાઇ રહેલાં પગલાંની પણ માહિતી આપી હતી.
સુનાક સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારતમાંથી ફરાર થઇ યુકેમાં આશ્રય લઇ રહેલા આર્થિક અપરાધીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમની સામે ભારતીય અદાલતોમાં કામ ચલાવી શકાય તે માટે તેમના પ્રત્યાર્પણ માટે ચાલી રહેલી પ્રક્રિયાની મહિતી માગી હતી.
ભારત સરકારે જણાવ્યું હતું કે, બંને નેતાઓએ ઇન્ડિયાયુકે રોડમેપ 2030ના ભગરૂપે સંખ્યાબંધ દ્વિપક્ષીય મામલાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાએ વેપાર અને આર્થિક મામલાઓમાં વધી રહેલા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2023માં યોજાઇ રહેલી જી-20 સમિટમાં ભાગ લેવા રિશી સુનાકને આમંત્રણ પાઠવ્યું હતું.
ખાલિસ્તાની સમર્થકો યુકેની રાજ્યાશ્રય નીતિનો દુરૂપયોગ કરે છે – ભારત
લંડન - ભારતે ખાલિસ્તાનના સમર્થકો દ્વારા યુકેની રાજ્યાશ્રય નીતિનો દુરૂપયોગ કરાતો હોવાના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતના ગૃહ મંત્રાલય અને યુકેના ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં ભારત સરકારે જણાવ્યું હતું કે, બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકો તેમનો વ્યાપ વધારી રહ્યાં છે જેના કારણે તેમને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને સહાય કરવામાં મદદ મળે છે. બેઠક સાથે સંકળાયેલ સરકારી અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, લંડનમાં ભારતીય હાઇ કમિશનમાં હિંસા આચરવામાં સંડોવાયેલા પૈકીના ઘણા બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવીને વસવાટ કરી રહ્યાં છે. અમે આ બાબત બેઠકમાં ઉઠાવી હતી.
24થી 28 એપ્રિલ ભારત અને યુકે વચ્ચે વેપાર મંત્રણા યોજાશે
લંડન - ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર મંત્રણાઓ સ્થગિત થઇ ગઇ હોવાના અહેવાલોનો છેદ ઉડાડતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, 24થી 28 એપ્રિલ દરમિયાન બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મંત્રણા યોજાશે. બીજીતરફ ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ સાંસદોના પ્રતિનિધિમંડળમાં સામેલ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચે વેપાર કરાર પર આઠમા રાઉન્ડની સફળ મંત્રણા દર્શાવે છે કે બંને દેશ વચ્ચેની મંત્રણા સાચા ટ્રેક પર છે.
હાઇ કમિશન પરના હુમલાની તપાસ ભારતની એનઆઇએ કરશે
ભારત સરકારે તેની સુપ્રીમ તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને લંડનમાં ભારતીય હાઇ કમિશન પર 19 માર્ચે થયેલા હુમલાની તપાસનો આદેશ આપ્યો છે. સરકારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પાસેથી આ કેસ લઇને એનઆઇએને સોંપી દીધો છે. એનઆઇએ દ્વારા ખાલિસ્તાની અલગતાવાદી અવતાર સિંહ ખાંડાના નેતૃત્વમાં હુમલામાં ભાગ લેનારાની ઓળખ કરશે.


