લંડનઃ ભારતમાં આર્થિક અપરાધો આચરીને વિદેશોમાં ભાગી છૂટેલા અપરાધીઓ પોતાના બચાવમાં નિતનવા ગતકડાં રજૂ કરી રહ્યાં છે. તાજેતરમાં વિજય માલ્યા દ્વારા પોતાના બચાવમાં દલીલો કરાઇ હતી. હવે વધુ એક ભાગેડૂ મેહૂલ ચોક્સીએ લંડનની હાઇકોર્ટમાં આરોપ મૂક્યો છે કે ભારતની ગુપ્તચર સંસ્થા દ્વારા મારું અપહરણ કરીને કેરેબિયન આઇલેન્ડ લઇ જવાયો હતો.
મેહૂલ ચોક્સીએ લંડનની કોર્ટમાં પોતાના અપહરણ માટે ભારત સરકાર સામે દાવો માંડ્યો છે. તેમણે આરોપ મૂક્યો હતો કે એક સુંદર મહિલા દ્વારા મને જાળમાં ફસાવવામાં આવ્યો હતો. ચાર વ્યક્તિ દ્વારા લંડનમાં આ કાવતરું ઘડાયું હતું. મે 2021માં મને ભારત લઇ જવા માટે એન્ટિગુઆમાંથી મારું અપહરણ કરીને ડોમિનિકા લઇ જવાયો હતો.
ચોક્સીના વકીલ એડવર્ડ ફિત્ઝજેરાલ્ડે સુનાવણીમાં જણાવ્યું હતું કે ભારત સરકારે માર્ચ 2018માં એન્ટીગુઆ પાસે ચોક્સીના પ્રત્યર્પણની માગ કરી હતી. મે 2021માં ચોક્સીનું અપહરણ કરાયું હતું. એન્ટિગુઆ પોલીસની તપાસમાં યુકે સ્થિત ગુરદીપ બાથ, બાર્બરા જારાબિક, લેસ્લી ફેરો, ગુરમિત સિંહ અને ગુરજિતસિંહ ભંડાલ પર કાવતરાનો આરોપ મૂકાયો હતો. જોકે આ તમામે પોતાના પરના આરોપ નકારી કાઢ્યાં હતાં. અપહરણનું નેતૃત્વ 49 વર્ષીય ગુરદીપ બાથે લીધું હોવાનો આરોપ છે. બાથ ભારતમાં કેરેબિયન આઇલેન્ડ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના રાજદ્વારી છે.