લંડનઃ ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે પ્રવાસીઓએ દરેક જગ્યાએ ઓરિજિનલ ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ સાથે રાખવાની જરૂર નહીં રહે.
બ્યુરો ઓફ ઇમિગ્રેશને જણાવ્યું હતું કે, તમામ OCI કાર્ડધારકો માટે ઇ-ઓસીઆઇ કાર્ડ સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. હવે તમે તમારા મોબાઇલ પર જ ડિજિટલ ઇ-ઓસીઆઇ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેને ઇમિગ્રેશન ચેક પોસ્ટ તેમજ એરલાઇન્સ સમક્ષ રજૂ કરી શકો છો.
ઇ-ઓસીઆઇ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- પોર્ટલની મુલાકાત લો: સૌ પ્રથમ સત્તાવાર OCI સર્વિસીસ પોર્ટલ ઓપન કરો.
- લોગ-ઇન કરો: તમારા એક્ઝિસ્ટિંગ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગ-ઇન કરો. (જો રજીસ્ટ્રેશન ન કર્યું હોય, તો તમારા OCI એપ્લિકેશન સાથે જોડાયેલા ઇમેઇલ આઇડીથી નવું એકાઉન્ટ બનાવો).
- ડેશબોર્ડ પર જાઓ: લોગ-ઇન થયા બાદ ડેશબોર્ડ પર આપેલા 'e-OCI' સેક્શન પર ક્લિક કરો.
- કાર્ડ જનરેટ કરો: અહીં તમારી OCI એપ્લિકેશનની વિગતો આપમેળે પ્રદર્શિત થશે. ત્યારબાદ 'Generate e-OCI Card' ના ઓપ્શન પર ક્લિક કરો.
- સેવ કરો: કાર્ડ જનરેટ થયા પછી તેને ડાઉનલોડ કરીને તમારા સ્માર્ટફોનમાં સુરક્ષિત સેવ કરી લો.
મહત્વપૂર્ણ બાબતો:
- ઇમિગ્રેશન પર માન્ય: સરકારી જાહેરાત અનુસાર, આ ડિજિટલ કાર્ડ એરપોર્ટ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર સંપૂર્ણપણે માન્ય ગણાશે.
- જૂનું ફિઝિકલ કાર્ડ પણ ચાલુ રહેશે: સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે e-OCI કાર્ડ માત્ર વધારાની સગવડ માટે છે. હાલના ફિઝિકલ ઓસીઆઈ બોન્ડ કે બુકલેટની માન્યતા પર આનાથી કોઈ અસર નહીં પડે અને તે પણ પહેલાની જેમ જ માન્ય રહેશે.
- મુસાફરીમાં સરળતા: વારંવાર ભારતની મુસાફરી કરતા પ્રવાસીઓ, વડીલો અને બાળકોના દસ્તાવેજોના સંચાલન માટે આ ડિજિટલ વ્યવસ્થા ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.


