લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી યુરોપિયન યુનિયન સિવાયના દેશોના નાગરિકો માટે નવી વિઝા નીતિ જાહેર કરી છે, જે અનુસાર ભારત સહિતના દેશોના નાગરિકોને મળતા વિઝાની સંખ્યા બમણી કરાશે. બ્રિટન વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સર્જનાત્મક ક્ષેત્રના નિષ્ણાત વિદેશી નાગરિકોને ટીયર-૧ વિઝા (અસાધારણ પ્રતિભા) હેઠળ વર્ષે ૧,૦૦૦ વિઝા આપે છે, જેની સંખ્યા બમણી કરીને ૨,૦૦૦ વિદેશી નિષ્ણાતોને વિઝા અપાશે.
આ ૨,૦૦૦ વિઝા યુકેની માન્યતા આપનારી પાંચ સંસ્થા - ટેક સિટી યુકે, આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, ધ બ્રિટિશ એકેડેમી, ધ રોયલ સોસાયટી અને ધ રોયલ સોસાયટી ઓફ એન્જિનિઅરીંગ દ્વારા માન્ય ડિજિટલ ટેકનોલોજી, સાયન્સ, આર્ટ્સ અને ક્રીએટિવ સેક્ટર્સમાં વર્તમાન અથવા ભાવિ અગ્રણીઓને મળવાપાત્ર રહેશે.
બ્રિટને યુરોપિયન સંઘમાંથી બહાર નીકળે તે પછી વિશ્વના પ્રતિભાશાળી લોકોને પોતાના દેશમાં આવકારની નીતિ અપનાવી છે. આ નીતિના ભાગરૂપે ટેલેન્ટેડ વિદેશી નાગરિકો માટે બ્રિટન દરવાજા ખુલ્લા મુકશે. વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે આ નીતિ બ્રિટનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કરવા માટે ઉપયોગી સાબિત થશે. એ માટે બ્રિટને યુરોપિયન સંઘ સિવાયના દેશોના નાગરિકોને આવકારવાની નીતિ અપનાવી છે.
વડા પ્રધાને એક કોન્ફરન્સમાં કહ્યું કે આપણે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જઈએ તે પછી વેપાર માટે દરવાજા ખુલ્લા રાખવા પડશે અને નવી નવી પ્રતિભાઓને દેશમાં આવકારવી પડશે. આપણે તેમના માટે સુમેળભર્યું વાતાવરણ સર્જી શકીએ તો જ આ શક્ય બનશે. નવી વિઝા નીતિ ક્યારથી લાગુ થશે એ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પણ સંભવતઃ ટેલેન્ટેડ કેટેગરીમાં મળતા વિઝા નીતિમાં ચાલુ વર્ષે જ ફેરફાર થશે.