લંડનઃ વેકેશન માણવા વિદેશોમાં જતા યુકેના રહેવાસીઓને દેશમાં પરત ફર્યા બાદ ડેન્ગ્યૂ થવાનું જોખમ રહેલું છે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વમાં ડેન્ગ્યૂના પાંચ મિલિયન કેસ નોંધાઇ ચૂક્યાં છે અને આ રોગચાળાએ 5000 લોકોનો ભોગ લીધો છે. ટુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ દેશમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં ડેન્ગ્યૂના 634 કેસ નોંધાયા છે જે મુખ્યત્વે ભારત સહિતના દક્ષિણ પૂર્વના દેશોની મુલાકાત લઇને આવેલા લોકોમાં જોવા મળ્યાં છે.
મધ્ય અમેરિકા અને કેરેબિયન દેશોની મુલાકાત લઇને આવેલા લોકોમાં પણ મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ પ્રવાસ નિયંત્રણો ઉઠાવી લેવાતાં પ્રવાસ કરનારા લોકોમાં વધારો થયો છે. તેના કારણે મચ્છર જન્ય રોગોના કેસ પણ વધી રહ્યાં છે. લોકો મેલેરિયા, ડેન્ગ્યૂ અને ઝિકા જેવા રોગોનું જોખમ ઘટાડવા તકેદારી રાખી શકે છે.
એજન્સીએ ભારત સહિતના દક્ષિણપૂર્વના દેશો, મધ્ય અમેરિકા અને કેરેબિયન દેશોની મુલાકાતે જતા બ્રિટિશરોને મચ્છર કરડવા સામે તકેદારી રાખવાના પગલાં લેવા અપીલ કરી છે. નેશનલ ટ્રાવેલ હેલ્થ નેટવર્ક એન્ડ સેન્ટરના ડો. દિપ્તી પટેલે જણાવ્યું હતું કે, જો તમે વિદેશ પ્રવાસે જઇ રહ્યાં છો તો તમારા આરોગ્યને પ્રાથમિકતા આપો અને તે અંગેની યોજના પણ તૈયાર રાખો. આ માટે તમે તમારા જીપીની પણ સલાહ લઇ શકો છો.


