લંડનઃ વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ પાસેથી યુકે વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દલાલો દ્વારા સેંકડો પાઉન્ડ પડાવવામાં આવી રહ્યાં હોવાનો પર્દાફાશ થયો છે. દક્ષિણ એશિયના કેટલાક દેશોમાં દલાલો દ્વારા અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરી લેવામાં આવે છે અને ત્યારબાદ બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ માટે પ્રતિ અરજકર્તા 800 પાઉન્ડ જેવી તગડી રકમની વસૂલાત કરાય છે. આ માટે દલાલો ફેસબુક અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ પણ મૂકતા રહે છે.
ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરાય છે કે શું તમે યુકેનો પ્રવાસ કરવા માગો છો તો વિઝા એપોઇન્ટમેન્ટ માટે મૂંઝાશો નહીં. કેટલીક જાહેરાતોમાં તો દલાલો દ્વારા અરજકર્તાને બીજા જ દિવસની એપોઇન્ટમેન્ટ અપાવવાની ઓફર અપાય છે. યુકે આવવા ઇચ્છતા કામદારો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થતાં એજન્ટો કેટલીક કોન્સ્યુલર સેવાઓ પર સર્જાતા દબાણનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે અને આ રીતે આ અંડરગ્રાઉન્ડ માર્કેટ ખદબદી રહ્યું છે.
યુકેના વિઝા માટે બાયોમેટ્રિક આપવા જરૂરી છે અને તે માટેની એપોઇન્ટમેન્ટ મહદ્દ અંશે વિનામૂલ્યે અથવા તો 30થી 85 પાઉન્ડની ફી સાથે આપવામાં આવે છે પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં અરજકર્તાઓને વીએફએસ ગ્લોબલ દ્વારા એપોઇન્ટમેન્ટ લેવામાં મુશ્કેલી પડતી હોય છે. દલાલો એપોઇન્ટમેન્ટના નવા સ્લોટ જારી થાય કે તેમના ક્લાયન્ટ વતી ઓટોમેટેડ બોટ્સ દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કરી લેતાં હોય છે. ત્યારબાદ તે સ્લોટમાં એપોઇન્ટમેન્ટ માટે અરજકર્તા પાસેથી સેંકડો પાઉન્ડની વસૂલાત કરે છે.


