લંડનઃ ભારત સાથેનો મુક્ત વેપાર કરાર 2023ના અંત સુધીમાં અમલી બનાવવાની કોઇ સમયમર્યાદા નક્કી કરાઇ હોવાનો બ્રિટનના ટ્રેડ મિનિસ્ટર કેમી બેડનોકે ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે આ કરાર અમલી બનાવવાની ઘણા નજીક પહોંચી ગયાં છીએ પરંતુ આ માટે કોઇ સમયમર્યાદા આપી શકું તેમ નથી.
વડાપ્રધાન રિશી સુનાક નવેમ્બરમાં ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા ઇચ્છે છે તેવા અખબારી અહેવાલો બાદ પૂછાયેલા સવાલનો જવાબ આપતા બેડનોકે જણાવ્યું હતું કે, બ્રિટને કોઇ સમયમર્યાદા નક્કી કરી નથી પરંતુ અખબારોમાં ઘણા આશાવાદી અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યાં છે.

