ભારત સાથેના મુક્ત વેપાર કરાર પર વડાપ્રધાન સુનાકની બ્રેકથી વિલંબ લંબાશે

બ્રિટને સ્પીડ માટે ક્વોલિટીનું બલિદાન આપવું જોઇએ નહીં – રિશી સુનાકનો સ્પષ્ટ સંકેત

Wednesday 23rd November 2022 04:52 EST
 
 

લંડન

ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરારનું ભાવિ ધૂંધળુ બની રહ્યું છે. વડાપ્રધાન રિશી સુનાકે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેઓ ભારત સાથેના વેપાર કરારમાં જરાપણ ઉતાવળ કરવા માગતા નથી. તેમણે જણાવ્યું હતું કે, વેપાર કરારની શરતો સુધારવાની જરૂર છે. બ્રિટને સ્પીડ માટે ક્વોલિટીનું બલિદાન આપવું જોઇએ નહીં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલાંની સુનાકની આ ટિપ્પણી દર્શાવે છે કે તેઓ તેમના પુરોગામીઓ બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસ કરતાં તદ્દન વિરોધાભાસી વલણ અપનાવી રહ્યાં છે. જ્હોન્સન અને લિઝ ટ્રસ દીવાળી સુધીમાં ભારત સરકાર સાથે મુક્ત વેપાર કરાર કરવાના હિમાયતી હતાં.

ઓસ્ટ્રેલિયા સાથે લિઝ ટ્રસ દ્વારા કરાયેલા વેપાર કરારની પૂર્વ પર્યાવરણ મંત્રી જ્યોર્જ યુસ્ટિસ દ્વારા કરાયેલી આકરી ટીકા બાદ રિશી સુનાકે રૂક જાવનું વલણ અપનાવ્યું છે. યુસ્ટિસે આરોપ મૂક્યો છે કે ઓસ્ટ્રેલિયા સાથે થયેલો વેપાર કરાર બ્રિટનના હિતમાં નથી. લિઝ ટ્રસે આ વેપાર કરારમાં પક્ષપાતી લક્ષ્યાંકો સામેલ કર્યાં છે.

એમ માનવામાં આવે છે કે રિશી સુનાક બ્રિટનના સર્વિસ સેક્ટર માટે સુધારેલી શરતો ભારત સાથેના કરારમાં સામેલ કરવા ઇચ્છે છે. તે ઉપરાંત ભારતીયોને વિઝા માટે કેટલી હદ સુધી છૂટછાટ આપવી તે અંગે સુનાકની કેબિનેટમાં જ મતભેદો પ્રવર્તી રહ્યાં છે.

સુનાક સરકારના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અગાઉ પણ આ મુક્ત વેપાર કરારની કેટલીક ઇમિગ્રેશન જોગવાઇઓ સામે વાંધો ઉઠાવી ચૂક્યાં છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ જોગવાઇઓના કારણે બ્રિટનમાં ભારતીયોનું ઇમિગ્રેશન વધી જશે. બ્રિટનમાં વિઝા મુદત પૂરી થયા પછી પણ રોકાઇ જનારા ઇમિગ્રન્ટ્સમાં ભારતીયો ટોચના સ્થાને છે. સુએલાના આ નિવેદનોના કારણે દિલ્હીમાં ભારત સરકાર નારાજ થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter