લંડનઃ બ્રિટિશ ટ્રેડ મિનિસ્ટર કેમી બેડનોકે જણાવ્યું છે કે ભારત સાથે મુક્ત વેપાર કરાર અંતર્ગત બ્રિટન ટેમ્પરરી બિઝનેસ વિઝા અંગે ચર્ચા કરશે પરંતુ આ કરારમાં ભારતીય કામદારો માટે બ્રિટનમાં કામ કરવાના ઇમિગ્રેશન વચનો તેમાં સામેલ નહીં કરાય.
બેડનોકે જણાવ્યું હતું કે, યુકેના ઘરેલુ લેબર માર્કેટમાં કામ કરવા માટે ભારતીય કામદારોને ઇમિગ્રેશનના વચનો ભારત સાથેના મુક્ત વેપાર કરારમાં સામેલ નહીં હોય. યુકેની પોતાની સરહદો નિયંત્રિત કરવાની ક્ષમતા પર અસર કરતી અથવા તો યુકેની પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમની કામગીરી અને સિદ્ધાંતો પર અસર કરતો કોઇપણ પ્રકારનો કરાર નહીં કરાય.
બેડનોકે જણાવ્યું હતું કે, વેપાર કરાર પરની મંત્રણામાં બિઝનેસ મોબિલિટી પર ચર્ચા કરાશે. આ પ્રકારની બિઝનેસ મોબિલિટીના કારણે ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યાવસાયિકો એકબીજાના માર્કેટમાં ટૂંકાગાળા અથવા તો હંગામી ધોરણે પોતાની સેવાઓ આપી શકશે.
બેડનોક અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે ભારત સાથેના વેપાર કરારમાં સર્વિસ સેક્ટર આશા રાખે છે તે તમામ બાબતો નહીં હોય.

