લંડનઃ ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરારના અમલ બાદ બંને દેશો વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કડીમાં ભારતની મુલાકાતે આવેલા મુખ્ય બ્રિટિશ વ્યાપારી પ્રતિનિધિમંડળે એક બિલિયન પાઉન્ડથી વધુના નવા વ્યાપાર કરારોની જાહેરાત કરી છે. જેમાં યુકેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચમાં 50 મિલિયન પાઉન્ડનું રોકાણ અને એવિએશન સેવાઓનો વિસ્તાર કરવાનો સમાવેશ થાય છે.
યુકેના ટ્રેડ મિનિસ્ટર જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ભારત સાથેના અમારા વેપાર કરારે સમૃદ્ધિના દરવાજા ખોલી દીધા છે. અમારા ક્ષેત્રીય ઉદ્યોગો અને મેયરો આ તકોનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગથી લઈને શિક્ષણ ક્ષેત્ર સુધી, અમે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સાથે સબંધો વધુ મજબૂત કરવા માંગીએ છીએ.
સ્કોટલેન્ડના સચિવ ડગ્લાસ એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, સ્કોટિશ વ્યવસાયો આ ટ્રેડ મિશનમાં જોડાયા છે તે ઉત્સાહજનક છે. મુક્ત વેપાર કરારથી સ્કોટિશ વ્હિસ્કી અને સાલ્મન માછલી જેવા પ્રીમિયમ ઉત્પાદનો માટે ભારતનું વિશાળ બજાર ખુલી ગયું છે.
એન્વાયરમેન્ટ મિનિસ્ટર એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, બ્રિટિશ ખેડૂતો, ખાદ્ય અને પીણા ઉત્પાદકો માટે ભારતનું બજાર નવી તકો લાવ્યું છે. અમે બ્રિટિશ શ્રેષ્ઠ ઉત્પાદનોનું ભારતમાં પ્રદર્શન કરી નવા વેપારી સંબંધો બાંધી રહ્યા છીએ.
મુખ્ય રોકાણો અને વેપારી સોદાઓ
- ટેકનોલોજી અને એઆઈ (AI): ટેક કંપની મેટા ફોર ડેટા ટેકનોલોજીસ યુકેમાં 50 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે. આ અંતર્ગત લંડન અને ગ્રેટર માન્ચેસ્ટરમાં એઆઈ, ડેટા રિસર્ચ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ લેબ સ્થાપવામાં આવશે, જેનાથી 500થી વધુ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીનું સર્જન થશે.
- એવિએશન ક્ષેત્ર: સર્વિસ પ્રોવાઈડર કંપની મેન્ઝીઝ એવિએશનને બેંગલુરુ સ્થિત ભારતના સૌથી મોટા ડોમેસ્ટિક કાર્ગો ફેસિલિટી ખાતે 15 વર્ષનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ લાઈસન્સ મળ્યું છે, જેનાથી 600 મિલિયન પાઉન્ડથી વધુની આવક થવાનો અંદાજ છે.
- રિટેલ અને કિડ્સવેર: બ્રિટિશ બ્રાન્ડ એન્જલ એન્ડ રોકેટ આગામી પાંચ વર્ષમાં ભારતમાં 100 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે, જેનાથી 43 મિલિયન પાઉન્ડની આવકની અપેક્ષા છે.
- હેલ્થકેર અને સાયન્સ: કેમ્બ્રિજ આધારિત પેનાકેયા કંપની બ્રેસ્ટ કેન્સર નિદાન માટે પોતાની એઆઈ ટેકનોલોજી ભારતીય બજારમાં લાવશે, જે 27.6 મિલિયન પાઉન્ડનો વેપાર કરશે. આ ઉપરાંત, ઓક્સફર્ડ નેનોપોર હૈદરાબાદ ખાતે સાયન્ટિફિક સંશોધન માટે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરશે.
- શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ભાગીદારીઃ આ પ્રવાસ દરમિયાન 'યુનિવર્સિટી ઓફ લિવરપૂલ'ના બેંગલુરુ કેમ્પસનું સત્તાવાર ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આગામી 10 વર્ષમાં આ કેમ્પસમાં 10,000 ભારતીય વિદ્યાર્થીઓ યુકેની ડિગ્રી મેળવશે. બિઝનેસ સેક્રેટરી મુંબઈમાં પ્રીમિયર લીગના એક કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે પ્રાદેશિક આર્થિક સહયોગ વધારવા અંગે બેઠક કરશે.
2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 120 બિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંકઃ પીયૂષ ગોયલ
લંડનઃ ભારત અને યુનાઇટેડ કિંગડમે મુક્ત વ્યાપાર કરાર હેઠળ ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ ઉઠાવી વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો સંયુક્ત સંકલ્પ વ્યક્ત કર્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિની 16મી બેઠક દરમિયાન ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે આર્થિક ભાગીદારીને મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વર્ષ 2030 માત્ર આ દાયકાના અંતનું પ્રતિક ન બનવું જોઈએ પરંતુ તે વધુ મોટી આકાંક્ષાઓની શરૂઆત હોવી જોઈએ. સરકારી આંકડા અનુસાર, બંને દેશો વચ્ચે હાલનો કુલ દ્વિપક્ષીય વેપાર શરે 60 અબજ ડોલરનો છે જેને 2030 સુધીમાં વધારીને 120 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રખાયો છે.


