ભારત ૨૦૧૮માં મજબૂત વૈશ્વિક આર્થિક પોઝિશન વિશે આશાવાદી

Wednesday 10th January 2018 06:31 EST
 

લંડનઃ નવા વર્ષનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે સમૃદ્ધ અર્થતંત્ર નહિ તો પણ ઉજળા ભવિષ્ય અને અપાર તકની આશા રાખવી જરા પણ અસ્થાને નથી. ૨૮ દેશને સાંકળતા એક સર્વે અનુસાર ભારત જેવા ઉભરતા આર્થિક રાષ્ટ્રો માને છે કે ૨૦૧૭ની સરખામણીએ વૈશ્વિક અર્થતંત્ર વધુ મજબૂત બની રહેશે. ૨૦૧૮માં આર્થિક પકડ મજબૂત હોય તેવા દેશોમાં પોતાનું સ્થાન ધરાવવા વિશે ભારત આશાવાદી છે. આની સરખામણીએ બ્રિટન સહિત પ્રથમ વિશ્વના દેશો ૨૦૧૮માં પોતાના અર્થતંત્રોની મજબૂતીના આશાવાદના પરિબળ મુદ્દે ઘણું નીચું સ્થાન ધરાવે છે.

જોકે, ૨૦૧૮માં દેશમાં મોટા ત્રાસવાદી હુમલા થવાની જોખમી શક્યતાનો સૌથી વધુ ભય ધરાવનારા દેશોમાં બ્રિટન પ્રથમ સ્થાને છે. સર્વે અનુસાર ૬૫ ટકા બ્રિટિશરો યુએસ અને ઉત્તર કોરિયા વચ્ચે અણુયુદ્ધ તેમજ પોતાના વતનમાં ત્રાસવાદી હુમલાઓનો ભય ધરાવે છે. આમ છતાં, Ipsos MORIના સર્વેમાં ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮નું નવું વર્ષ વધુ સારું નીવડશે તેવો આશાવાદ બે તૃતીઆંશ બ્રિટિશરો ધરાવે છે,

Ipsos MORI ખાતે પોલિટિકલ રિસર્ચના વડા ગિડીઓન સ્કીનરે જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ લોકો આશા અને ભયના મિશ્રણ સાથે ૨૦૧૮ના વર્ષને વધાવી રહ્યા છે અને મોટા ભાગના લોકો માને છે કે ૨૦૧૭ કરતાં ૨૦૧૮નું વર્ષ સારું રહેશે પરંતુ, એ સિવાય ઘરઆંગણે અને વિદેશમાં ચિંતાઓ તો છે જ. બ્રિટનમાં ૨૦૧૮માં મોટા ત્રાસવાદી હુમલાઓ થશે તેમ બહુમતી લોકો માને છે, જ્યારે પાંચમાંથી બે વ્યક્તિ યુએસ અને નોર્થ કોરિયા વચ્ચે યુદ્ધની શક્યતા માને છે. બ્રિટિશરોના માનવા અનુસાર વૈશ્વિક તાપમાન વધતું જ રહેશે અને ઉભરતાં અર્થતંત્રોના લોકોની સરખામણીએ તેઓ યુરોપના અન્ય દેશોની માફક જ વૈશ્વિક અર્થતંત્ર વિશે પ્રમાણમાં ઓછાં આશાવાદી છે.’

યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમ્પીચમેન્ટ લડાઈનો સામનો કરવો પડશે તેમ ૪૩ ટકા બ્રિટિશ પાર્ટિસિપેન્ટ્સ માનતા હતા, જ્યારે ૩૭ ટકા બ્રિટિશરોએ આ બાબતને અશક્ય ગણાવી અને ૨૦ ટકાએ અજ્ઞાન દર્શાવ્યું હતું.

બીજી તરફ, યુએસમાં ૫૦ ટકાએ જે તેમના દેશમાં ત્રાસવાદી હુમલાનો ભય દર્શાવ્યો હતો અને સાઉથ કોરિયા માટે આવો ભય હોવાનું ૧૬ ટકા નાગરિકોએ જ જણાવ્યું હતું.

દરમિયાન, ભારતમાં ત્રાસવાદી હુમલા અને અન્ય દુર્ઘટનાઓનાં સતત ભય વચ્ચે પણ ભારતીય મતદારોએ સર્વેમાં ખાસ ભય દર્શાવ્યો ન હતો. ખતરનાક ત્રાસવાદી હુમલાની શક્યતા વિશે તેઓ ઓછાં ગભરાટપૂર્ણ જણાયા હતા. આનાથી વિપરીત, વિશ્વમાં દેશની મજબૂત આર્થિક સ્થિતિ પરત્વે વધુ ઉત્સાહી જણાતા હતા. તેઓ માને છે કે તેઓ વિશ્વના અન્ય આર્થિક અગ્રણીઓથી આગળ નહિ વધી શકે તો પણ તેમની સાથે ખભે-ખભા મિલાવીને ચાલી શકે તેમછે.

 

મારા દેશમાં મોટો ત્રાસવાદી હુમલો થશે’ નિવેદન સાથે સંમત નાગરિકો

ગ્રેટ બ્રિટન           ૬૫ ટકા

તુર્કી                  ૬૦ ટકા

ફ્રાન્સ                 ૫૩ ટકા

જર્મની                ૫૧ ટકા

યુનાઈટેડ સ્ટેટ્સ      ૫૧ ટકા

સ્વીડન                ૪૪ ટકા

બેલ્જિયમ             ૪૩ ટકા

સ્પેન                  ૪૧ ટકા

ઓસ્ટ્રેલિયા           ૪૦ ટકા

ભારત               ૩૯ ટકા

કેનેડા                ૩૨ ટકા

ઈટાલી              ૩૨ ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter