ભારત ૨૦૭૦ સુધીમાં ‘નેટ-ઝીરો એમિશન’ સ્થિતિ હાંસલ કરવા કટિબદ્ધઃ નરેન્દ્ર મોદી

Wednesday 03rd November 2021 06:41 EDT
 
 

ગ્લાસગો, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિતCOP26 સમિટમાં ભારત ૨૦૭૦ સુધીમાં ‘નેટ-ઝીરો એમિશન્સ’ની સ્થિતિ પ્રાપ્ત કરશે તેવી જાહેરાત કરી છે. વિશ્વમાં ભારત ૨૦૫૦ સુધીમાં આ સ્થિતિ મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે તેવું દબાણ હતું. વિશ્વમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઈડ વાયુ છોડનારા દેશોમાં ચીન અને યુએસ પછી ભારત ત્રીજા ક્રમે આવે છે. જોકે, વડા પ્રધાન મોદીએ ભારતનો ક્લાઈમેટ ચેન્જ એજન્ડા સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વના સમૃદ્ધ દેશો આ માટે વિકાસશીલ અને ગરીબ દેશોને મદદ કરે તે જરૂરી છે.

વડા પ્રધાન મોદીએ વિશ્વને ‘પંચામૃત’ સૂત્ર આપ્યું હતું. જેમાં ૨૦૭૦માં નેટ ઝીરો એમિશન ઉપરાંત, ૨૦૩૦ સુધીમાં નોન-ફોસિલ એનર્જીની ક્ષમતા વધારીને ૫૦૦ ગીગાવોટ્સ (GW) સુધી લઈ જવી, ઊર્જાની જરૂરિયાતોના ૫૦ ટકા હિસ્સો રિન્યુએબલ સોર્સીસમાંથી મેળવવો, અર્થતંત્રમાં કાર્બનની તીવ્રતા-આધાર ૪૫ ટકા ઘટાડવો અને કુલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન્સમાં ૧ બિલિયન ટનના ઘટાડાનો સમાવેશ પણ થાય છે.

મોદીએ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે ‘આ પાંચ અમૃત (પંચામૃત) ક્લાઈમેટ એક્શન મુદ્દે ભારતનો અભૂતપૂર્વ ફાળો બની રહેશે. ક્લાઈમેટ લક્ષ્યાંકો પાર પાડી શકાય તે માટે વિકસિત રાષ્ટ્રો વેળાસર ૧ ટ્રિલિયન ડોલર ક્લાઈમેટ ફાઈનાન્સ તરીકે ફાળવે તેવી અપેક્ષા ભારત ધરાવે છે. આજે આપણે જે રીતે ક્લાઈમેટ મુદ્દે પ્રગતિની સમીક્ષા કરીએ છીએ તેવી રીતે ક્લાઈમેટ ફાઈનાન્સની સમીક્ષા પણ થવી જોઈએ.’

વડા પ્રધાને ભારતના ક્લાઈમેટ લક્ષ્યાંકોમાં મદદરૂપ બની રહેલી ભારતીય રેલવેઝની ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરોની પ્રતિબદ્ધતા અને ૪૫૦ ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપવાની મહત્ત્વાકાંક્ષા સહિત અન્ય પ્રવૃત્તિઓની રૂપરેખા પણ દર્શાવી હતી. ભારતની જળથી નળ પરિયોજના, સ્વચ્છતા અભિયાન અને ઉજ્જવલા યોજનાથી લોકોના જીવનસ્તરમાં સુધારો થયાની વાત પણ તેમણે કરી હતી.

મોદીએ જણાવ્યું હતું કે,‘ ભારતે ગત સાત વર્ષમાં નોન-ફોસિલ ફ્યૂલ એનર્જીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે અને અમારા એનર્જી મિશ્રણમાં તેનો હવે ૪૦ ટકા હિસ્સો છે. રેલવેના કમિટમેન્ટથી દર વર્ષે ૬૦ મિલિયન ટન કાર્બન એમિશન ઘટશે. આ જ રીતે અમારા LED બલ્બ અભિયાનથી દર વર્ષે ૪૦ મિલિયન ટન કાર્બન એમિશન ઘટે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter