લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારતને પ્રવાસના રેડ લિસ્ટમાં મૂકવાનો વિલંબ કર્યો તે ગાળામાં ભારતથી આવેલા ૨૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ દ્વારા યુકેમાં કોવિડનો નવો જીવલેણ વેરિએન્ટ ફેલાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. યુકેમાં ભારતીય કોરોના વેરિએન્ટ B1.617.2 સૌ પહેલા ૨૯ માર્ચે પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતથી આવેલા પ્રવાસીમાં દેખાયો તેના એક મહિના ૨૩ એપ્રિલ સુધી ભારતને પ્રવાસ રેડ લિસ્ટમાં મૂકાયું ન હતું.
હવે એમ જણાવાય છે કે ભારત માટે યુકેની સરહદો વહેલા બંધ કરવાની જરુર હતી.ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને બાંગલાદેશ માટે બીજી એપ્રિલે જ યુકેની સરહદો બંધ કરી દેવાઈ હતી. વડા પ્રધાન જહોન્સન બ્રેક્ઝિટ પછીના વેપાર મુદ્દે ૨૫ એપ્રિલે ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા આશાવાદી હતા. જોકે, ભારતમાં નવા વેરિએન્ટનું સંક્રમણ અને હોસ્પિટલાઈઝેશનમાં ભારે ઉછાળો આવતા ૧૯ એપ્રિલે પ્રવાસ રદ કરી દેવાયો હતો. આ પછી તરત હેલ્થ સેક્રેટરી હેનકોકે ભારતને રેડ લિસ્ટમાં મૂકાશે તેમ કોમન્સ સમક્ષ જાહેર કર્યું હતું. જોકે, ૨૩ એપ્રિલ સુધી તેના પર અમલ કરાયો ન હતો. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ માર્ચના અંત અને એપ્રિલ ૨૬ના સમયગાળામાં મુંબઈ અને દિલ્હીથી આવેલા ઓછામાં ઓછાં ૧૨૨ પેસેન્જરમાં ભારતીય વેરિએન્ટ હતો.
આટલો સમય મળવા સાથે ભારત અને યુકે વચ્ચેની ફ્લાઈટ્સની માગમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. ટ્રાવેલ વેબસાઈટ સ્કાયસ્કેનરના જણાવ્યા મુજબ સમયમર્યાદા પહેલા યુકે પહોંચવા ઈચ્છતા પરિવારો દ્વારા ફ્લાઈટ્સની શોધમાં ૨૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સિવિલ એવિએશન ઓથોરિટીના આંકડા મુજબ બીજી એપ્રિલથી ૨૩ એપ્રિલ સુધીના ગાળામાં સરેરાશ ૯૦૦ લોકો ભારતથી આવતા હતા અને આ ગાળામાં ૨૦,૦૦૦થી વધુ લોકો યુકેમાં પ્રવેશ્યા હતા.
વડા પ્રધાને ગુરુવારે ચેતવણી આપી હતી કે નવા સ્ટ્રેઈનથી સંક્રમણની નવી લહેર આવી શકે તેવા ભય વચ્ચે ૨૧ જૂનથી લોકડાઉન ઉઠાવી લેવાની યોજના ખોરંભે પડી શકે છે. સરકારના સૂત્રોએ સન્ડે ટાઈમ્સને જણાવ્યા મુજબ લોકડાઉન હળવો કરવાનો ચોથો તબક્કો સમયસર પાર પાડી શકાશે કે કેમ તે મુદ્દે બ્રિટિશરોને મૂંઝવણભરી રાહ જોવી પડી શકે. યોજનાબદ્ધ અનલોકિંગનો નિર્ણય ૨૧ જૂનના એક સપ્તાહ અગાઉ જાહેર કરાશે નહિ જેના પરિણામે, મ્યુઝિક ફેસ્ટિવલ્સ, ઉનાળાની રજાઓ તેમજ અન્ય મોટા પાયા પરના ઈવેન્ટ્સ બાબતે અચોક્કસતા સર્જાશે.