ભારતથી થનારી મોટાભાગની આયાતો ટેરિફ મુક્ત

પ્રોસેસ્ડ ફૂડ, મરીન પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગૂડ્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, લેધર – ફૂટવેર, ગારમેન્ટ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ પરનો ટેરિફ શૂન્ય

Tuesday 14th July 2026 09:14 EDT
 
 

લંડનઃ યુકે સાથેના ઐતિહાસિક વેપાર કરારનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ભારતને સૌથી મોટો ફાયદો એ થશે કે યુકે અનેક મહત્વના ઉત્પાદનો પરની આયાત જકાત સંપૂર્ણપણે નાબૂદ કરશે. પ્રોસેસ્ડ ફૂડ પર 70 ટકા, મરીન પ્રોડક્ટ્સ પર 21.5 ટકા, એન્જિનિયરિંગ ગુડ્સ અને ઓટો કમ્પોનન્ટ્સ પર 18 ટકા, ચામડું અને ફૂટવેર પર 16 ટકા, ટેક્સટાઈલ અને ગારમેન્ટ્સ પર 12 ટકા તેમજ કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ પર 8 ટકા સુધી લાગુ થતા ટેરિફ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. ભારતે તેના સ્થાનિક હિતોનું રક્ષણ કરતા ડેરી પ્રોડક્ટ્સ, અનાજ, બાજરી અને મિલેટ્સ, ખાદ્ય તેલ, તેલીબિયાં, સફરજન અને અનેક શાકભાજી આ કરારથી બહાર રાખ્યા છે.

ભારતીય નિકાસકારો માટે આ કરાર શા માટે મહત્વનો?

યુકે વૈશ્વિક સ્તરે એક મોટો આયાતકાર દેશ હોવા છતાં ભારતનો હિસ્સો અત્યાર સુધી ઘણો ઓછો રહ્યો છે. વર્ષ 2025માં યુકેએ વિશ્વભરમાંથી 928.9 બિલિયન ડોલરની આયાત કરી હતી, જેમાંથી ભારતમાંથી માત્ર 15.2 બિલિયન ડોલરની આયાત થઈ હતી. આનો અર્થ એ થયો કે બ્રિટનની કુલ આયાતમાં ભારતનો હિસ્સો માત્ર 1.6 ટકા હતો. તે જ પ્રમાણે, યુકે ભારતની કુલ વૈશ્વિક મર્ચેન્ડાઇઝ નિકાસના માત્ર 3.4 ટકા હિસ્સો ખરીદે છે જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે વેપાર વધારવાની વ્યાપક તકો રહેલી છે. ભારત જે ક્ષેત્રોમાં મજબૂત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, તે બ્રિટનની આયાત માંગ સાથે સીધા સુસંગત છે. આ ક્ષેત્રોમાં તૈયાર વસ્ત્રો, ચામડાની વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ, અનાજ, ફળ-શાકભાજી, મસાલા, સીફૂડ, ઓટોમોબાઈલ, મોટરસાઈકલ, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરીનો સમાવેશ થાય છે.

સર્વિસ સેક્ટર માટે આ કરારનું શું મહત્વ છે?

યુકેએ તેના 137 સર્વિસ સબ-સેક્ટર્સ ભારતીય સેવાઓ માટે ખુલ્લા મૂક્યા છે, જે કોઈપણ વેપાર કરારમાં તેની અત્યાર સુધીની સૌથી ઉદાર પ્રતિબદ્ધતાઓ પૈકીની એક છે. આનાથી આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન અને કન્સલ્ટિંગ ક્ષેત્રની ભારતીય કંપનીઓને સરળ માર્કેટ એક્સેસ અને નિયમનકારી સ્પષ્ટતા મળશે. આ ઉપરાંત બિઝનેસ વિઝિટર્સ, કંપની ટ્રાન્સફર મેળવતા કર્મચારીઓ અને સ્વતંત્ર વ્યાવસાયિકો માટે અવરજવર સરળ બનશે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત, આ કરાર હેઠળ દર વર્ષે 1,800 ભારતીય શેફ, યોગ પ્રશિક્ષકો અને શાસ્ત્રીય સંગીતકારોને યુકેમાં કામ કરવાની વિશેષ તક મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter