લંડનઃ બ્રિટિશ સરકારે ભારત જેવા દેશોથી બ્રિટન આવનારા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે લેન્ડિંગ કાર્ડ ભરવાનો નિયમ દૂર કર્યો છે. આ પગલાનો હેતુ બ્રિટનમાં પ્રવેશને સરળ બનાવવાનો છે. યુરોપિયન ઇકોનોમિક એરિયા(ઇઇએ)ના બહારના દેશોથી આવનારા વિમાન યાત્રીઓને સોમવારથી બ્રિટનના એરપોર્ટ પર પહોંચ્યા પછી ફોર્મ ભરીને પાસપોર્ટની સાથે ઇમિગ્રેશન અધિકારીઓને હવાલે કરવાની જરૂર નહિ રહે..
હોમ ઓફિસે નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે તમામ બિન ઇઇએ યાત્રીઓને બ્રિટન પહોંચવા પર લેન્ડિંગ કાર્ડ ભરવાની આવશ્યકતા સમાપ્ત કરી દીધી છે. જેના કારણે બ્રિટન જવું સરળ બનશે અને યાત્રીઓની સુગમતા વધશે. બ્રિટનના એરપોર્ટ ઓપરેટર એસોસિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી કરેન ડીએ જણાવ્યું છે કે એરપોર્ટ વ્યસ્ત સિઝનની તૈયારી કરી રહ્યાં છે. અમને ખબર છે કે પાસપોર્ટ કન્ટ્રોલ માટે કોઇ પણ લાઇનમાં રાહ જોવા માગતું નથી.
જોકે, હાલમાં ભારત ઓછા જોખમવાળા દેશોની યાદીમાં નથી. આ યાદીમાં સામેલ દેશોના નાગરિકોને બ્રિટન આવવા પર ઇ-પાસપોર્ટ સુધીની પ્રક્રિયા સરળ હોય છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને અમેરિકાના નાગરિકો ચાલુ સપ્તાહથી બ્રિટનના તમામ એરપોર્ટ પર ઓટોમેટિક ગેટનો ઉપયોગ કરી શકશે.