લંડનઃ રિયાલિટી શો બ્રિટન ગોટ ટેલેન્ટ સ્પર્ધામાં આસામની 9 વર્ષીય બિનિતા છેત્રી સેકન્ડ રનર અપ આવી હતી. બિનિતા આસામના હિલ ડિસ્ટ્રિક્ટ કાર્બી એન્ગલોન્ગના નાનકડા ગામની વતની છે. બિનિતાએ બીજીટીની સોશિયલ મીડિયા સાઇટ પર તેના સમર્થકો અને સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને વિશેષ કરીને બ્રિટનના દર્શકોનો આભાર માન્યો હતો.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ બિનિતાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે બિનિતાએ તેની સિદ્ધીથી તમામને ગૌરવ અપાવ્યું છે. સરમાએ જણાવ્યું હતું કે, બિનિતાના પરફોરમન્સે બ્રહ્મપુત્રાથી થેમ્સ નદી સુધીના પ્રેક્ષકો પર કામણ કર્યું હતું. તેણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે. હું તેને ભવિષ્ય માટે પણ શુભેચ્છા પાઠવું છું. તેના પરિવારે દાવો કર્યો હતો કે બ્રિટન ગોટ ટેલેન્ટની ફાઇનલમાં પહોંચનારી બિનિતા પ્રથમ ભારતીય છે.