લંડનઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને શુક્રવારે યુકેની સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના સ્પીકર લોર્ડ જ્હોન ફ્રાન્સિસ મેકફોલ સાથે મુલાકાત કરી સંસદીય કાર્યોમાં ટેકનોલોજીના ઉપયોગમાં સહકાર સાધવામાં રસ દર્શાવ્યો હતો.
ભારતમાં આયોજિત કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ કોમનવેલ્થ દરમિયાન રાધાકૃષ્ણને યુકે અને ભારતના લાંબા અને જટિલ ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતે વેસ્ટમિન્સ્ટર મોડેલમાંથી પ્રેરણા લીધી છે અને તેની સંસદીય વ્યવસ્થા દેશના પોતાના લોકતાંત્રિક માળખા સુધી પહોંચી છે.
તેમણે જણાવ્યું હતં કે, જવાબદારી સાથેની વાણી સ્વતંત્રતા મહત્વની છે. તેનો વિભાજનકારી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો જોઇએ નહીં. ડિજિટલ ટેકનોલોજીએ સમગ્ર વિશ્વની સંસદોની કામગીરીમાં ક્રાંતિ લાવી દીધી છે. હવે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થઇ શકે છે અને રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે જાળવી શકાય છે.


