લંડનઃ વર્ષ 2026 માટેના ઇન્ડિયા – યુકે એચિવર્સ એવોર્ડ્સના વિજેતાઓમાં ભારતના સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીનો સમાવેશ કરાયો છે. યુકેના શિક્ષણ સંસ્થાનમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર ભારતીયોને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરાય છે. જયંત ચૌધરીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો.
આ પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કરનારા અન્ય ભારતીયોમાં કેમ્બ્રિજમાં ભણેલા શેફ કરણ ગોકાણી, ગ્લોબલ પોલિસી ઓથર રાજેશ તલવાર, ઉજાલા સિગ્નસ હેલ્થકેર નેટવર્કના ડો. સચિન બજાજ, મોહપ્રા એડવાઇઝરીના નીતિ પોલ, રોબોટિક સર્જન ડો. અરુણ પ્રસાદ અને લેખક આદિત્ય તિવારીનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત ભારતની લોકશાહીને આકાર આપતા ઉભરતા રાજકીય નેતાઓ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એસપી)ના રાષ્ટ્રીય પ્રવક્તા અનિશ ગવંડે અને ડીએમકેના રાષ્ટ્રીય પ્રવક્તા ધરણીધરણ સેલ્વમને પણ આ સન્માન એનાયત કરાયું છે. લોર્ડ ક્રિશ રાવલ અને લોર્ડ ઉદય નાગારાજુએ આ પ્રસંગે સંબોધન કર્યું હતું. એચિવર્સ ઓનર્સના સ્થાપક સનમ અરોરાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા યુકે એચિવર્સ પ્રોગ્રામ બ્રિટનમાં અભ્યાસ કરી વિશ્વમાં અસામાન્ય અસરો ઊભી કરનારા ભારતીયોને સન્માનિત કરવા માટે છે. આ વર્ષે પસંદ કરાયેલા મહાનુભાવોની જીવનસફર બતાવે છે કે કેવી રીતે શિક્ષણ ભારત અને યુકે વચ્ચેના લિવિંગ બ્રિજને મજબૂત બનાવે છે.
આઉટસ્ટેન્ડિંગ એચિવર્સ 2026
- જયંત ચૌધરી – ભારતના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ રાજ્ય મંત્રી
- કરણ ગોકાણી – કેમ્બ્રિજમાં અભ્યાસ, શેફ, હોપર્સ રેસ્ટોરન્ટ ગ્રુપના સહસ્થાપક
- રાજેશ તલવાર – ગ્લોબલ પોલિસી લેખક, યુએન સાથે કામગીરી
- ડો. સુચિન બજાજ – ભારતમાં 26 હોસ્પિટલ ધરાવતા હેલ્થકેર નેટવર્કના સ્થાપક
- નીતિ પોલ – મોહપ્રા એડવાઇઝરીના સ્થાપક
- ડો. અરુણ પ્રસાદ – રોબોટિક સર્જન
- આદિત્ય તિવારી – લેખક અને સ્પીકર
ઇમર્જિંગ પોલિટિકલ વોઇસ
- અનિશ ગવંડે – નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એસપી)ના રાષ્ટ્રીય પ્રવક્તા
- ધરણીધરણ સેલ્વમ – ડીએમકેના રાષ્ટ્રીય પ્રવક્તા


