લંડનઃ રિશી સુનાક અને અક્ષતા મૂર્તિ જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે શુક્રવારે આરએફએફના વોયેજર દ્વારા નવી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર ચૌબે અને બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસ દ્વારા સ્વાગત કરાયું હતું. અહીંથી તેઓ બ્રિટિશ કાઉન્સિલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અક્ષતા મૂર્તિએ બાળકોની સાથે ફૂટબોલની રમતમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને પણ બાળકો સાથે વાતચીત કરી હતી. અક્ષતા મૂર્તિએ સ્થાનિક મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. સાંજે રિશી સુનાક અને અક્ષતા મૂર્તિ દિલ્હીની તેમની ફેવરિટ રેસ્ટોરન્ટ ખાતે ડીનર કરવા પહોંચ્યા હતા.
મોદી સાથેની મુલાકાત રદ થતાં સુનાક અને અક્ષતા ડીનર ડેટ પર ગયાં
લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિર્ધારિત વન-ટુ-વન મુલાકાત રદ થઇ જતાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ દિલ્હીમાં ડેટ પર જવાનો આનંદ ઉઠાવ્યો હતો. શુક્રવારે ભારત પહોંચ્યા બાદ બપોરના સમયે મોદી અને સુનાકની મુલાકાતનું આયોજન કરાયું હતું પરંતુ તે પાછળથી રદ કરી દેવાઇ હતી. શુક્રવારે સાંજે મોદીએ તેમના નિવાસસ્થાને અમેરિકી પ્રમુખ જો બાઇડેન માટે ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. તેથી સુનાક અને અક્ષતાએ દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં આવેલી ઇમ્પિરિયલ હોટલ ખાતે ડીનર ડેટ પર જવાનો નિર્ણય લીધો હતો.


