લંડનઃ યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર મિડલ ઇસ્ટ, સાઉથ એશિયા, યુએન લોર્ડ તારિક એહમદ 27થી 31 મે સુધી ભારતના પ્રવાસે પહોંચ્યા હતા. નવી દિલ્હીમાં તેમણે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાએ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી હતી. જયશંકરે માર્ચ મહિનામાં ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા લંડનમાં ભારતીય હાઇકમિશન પર કરાયેલા હુમલા અંગે લોર્ડ તારિક એહમદ સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, ભારતના તમામ રાજદ્વારી મિશનોને સુરક્ષા આપવાની જવાબદારી યુકેની છે.
એસ.જયશંકરે જણાવ્યું હતું કે લોર્ડ તારિક એહમદ સાથે મુક્ત વેપાર કરાર, સાઉથ એશિયા, ઇન્ડો પેસેફિક ઝોન અને જી-20 સહિતના સંખ્યાબંધ મુદ્દા પર ચર્ચા થઇ હતી. લોર્ડ એહમદે જયશંકર ઉપરાંત વિદેશ સચિવ વિનય મોહન કવાત્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જી-20 શેરપા અમિતાભ કાન્ત સાથે પણ મુલાકાત કરી હતી.
ભારતની આ મુલાકાતા દરમિયાન લોર્ડ એહમદે યુકે-ઇન્ડિયા હેલ્થ-ટેક બૂટકેમ્પના વિજેતાઓના નામની પણ જાહેરાત કરી હતી. તેમણે બંને દેશ વચ્ચેના હેલ્થ સેક્ટર અને સ્ટાર્ટ-અપ્સ વચ્ચેના સહકારને આવકાર્યો હતો. લોર્ડ એહમદ દરમિયાન સાયન્સ, રિસર્ચ અને ઇનોવેશન માટેના સહકારને વેગવંતા બનાવવા માટે ભારતની મુલાકાતે પહોંચ્યા છે.


