લંડનઃ એકતરફ અમેરિકા મિલિટરી વિમાનો દ્વારા ગેરકાયદેસર ભારતીયોને ભારત પરત મોકલી રહ્યો છે ત્યારે ભારતીયોને વિઝા ફ્રોડથી બચાવવા માટે યુકે સરકાર દ્વારા ભારતના પંજાબ રાજ્યમાં વિઝા ફ્રોડ ટન બચો (તમારી જાતને વિઝા ફ્રોડથી બચાવો) અભિયાન શરૂ કરાયું છે.
આ અભિયાન અંતર્ગત ફ્રોડ કરનારા દ્વારા અપનાવાતી પદ્ધતિઓની માહિતી આપવામાં આવી રહી છે તે ઉપરાંત જે લોકો કાયદેસર રીતે યુકેની મુલાકાત લેવા માગે છે તેમના માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઇ છે. આ હેલ્પલાઇન પર અંગ્રેજી અને પંજાબી ભાષામાં માહિતી અપાય છે.
બ્રિટિશ હાઇકમિશનના અધિકારીઓ દ્વારા લવલી યુનિવર્સિટી ખાતે આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ભારત ખાતેના ડેપ્યુટી બ્રિટિશ હાઇ કમિશ્નર ક્રિસ્ટિના સ્કોટે જણાવ્યું હતું કે, યુકેની મુલાકાત લેવી, યુકેમાં અભ્યાસ કરવો કે કામ કરવાની તકો ક્યારેય મુશ્કેલ રહી નથી. ભારતીય નાગરિકોને મોટા પ્રમાણમાં યુકેના વિઝા જારી કરાય જ છે. તેમ છતાં યુવાપેઢીના સ્વપ્નોનો ગેરલભા લઇ તેમની સાથે વિઝા ફ્રોડ કરાય છે. તેના કારણે અમે આ અભિયાન શરૂ કરી રહ્યાં છે જેથી જાગૃતિ ફેલાવી શકાય.