લંડનઃ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેરમાં બ્રિટિશ ભારતીય નાગરિકની ધર્મ પરિવર્તન કાયદાના ઉલ્લંઘનના આરોપસર ધરપકડ કરાઇ હતી. સ્થાનિક ચર્ચમાં ધાર્મિક પ્રવચનની આડમાં ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ હોવાથી પોલીસ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી બ્રિટિશ નાગરિક ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. ભારતીય કાયદા અનુસાર ટૂરિસ્ટ વિઝા પર આવેલા વિદેશી નાગરિકો માટે ધાર્મિક પ્રચાર અથવા જાહેર ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. મહારાષ્ટ્ર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ નોંધાયેલો આ સંભવત પ્રથમ જ કેસ હોવાથી તે કાયદાકીય અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ આ મામલે પુરાવાઓ, વિઝાના નિયમો અને ઘટના સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

