લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન યુકેમાં ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીઓની તકોને સપોર્ટ કરતા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા આવતા મહિને ભારતની મુલાકાત લેશે. વડા પ્રધાન જ્હોન્સનની આ મુલાકાત ઈયુથી અલગ થયા પછી સૌપ્રથમ અને સત્તાના સૂત્રો સંભાળ્યા પછી પ્રથમ મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષી મુલાકાત બની રહેશે. આ ઉપરાંત, ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં યુકેના સંપર્કને વધારવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને દર્શાવશે.
વડા પ્રધાન જ્હોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ૨૬ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહેવાના તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સાથે મહેમાન દેશ તરીકે હાજરી આપવા ભારતને આમંત્રણ પણ પાઠવ્યું હતું. ભારતની આઝાદી પછી ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા વડા પ્રધાન જ્હોન્સન બીજા બ્રિટિશ વડા પ્રધાન બનશે. અગાઉ, ૧૯૯૩માં વડા પ્રધાન જ્હોન મેજર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
જાન્યુઆરીની આ મુલાકાત વિશ્વ તખતા પર ગ્લોબલ બ્રિટન માટે ગણનાપાત્ર વર્ષનો આરંભ કરશે. યુકે દ્વારા ૨૦૨૧માં જી-૭ નેતાઓની બેઠક અને COP26 સમિટ્સનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત, બાળાઓને શાળાઓમાં મોકલવાના ઉદ્દેશ સાથે ગ્લોબલ એજ્યુકેશન સમિટ તેમજ ૧૯૪૬માં લંડનમાં યુએન જનરલ એસેમ્બલીની પ્રથમ બેઠક યોજાઈ હતી તેની યાદગીરીમાં સમારંભનું આયોજન પણ કરાયું છે.
દ્વિપક્ષી સંબંધમાં હરણફાળ ભરવા તત્પરઃ જ્હોન્સન
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ બ્રિટન માટે રોમાંચક વર્ષના આરંભે આગામી વર્ષે ભારતની મુલાકાત લેવા બાબતે હું અનહદ ખુશી અનુભવું છું. વડા પ્રધાન મોદી અને મેં જે હાંસલ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે તેવા આપણા દ્વિપક્ષી સંબંધોમાં હરણફાળ ભરવા હું રાહ જોઈ રહ્યો છું.
અમે નોકરીઓ અને વિકાસને ઉત્તેજન આપવા, આપણી સુરક્ષાને જોખમરૂપ સહિયારી ધમકીઓનો સામનો કરવા અને આપણી પૃથ્વીને રક્ષવા સાથે મળીને કામગીરી કરીએ છીએ ત્યારે ઈન્ડો-પેસિફિક રીજિયનમાં ચાવીરૂપ દેશ તરીકે ભારત યુનાઈટેડ કિંગ્ડમ માટે અનિવાર્ય બની રહેલું પાર્ટનર છે.
ભારત ‘વિશ્વની ફાર્મસી’
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલું ભારત ‘વિશ્વની ફાર્મસી’ તરીકે વેકસિન્સનો ૫૦ ટકાથી વધુ પૂરવઠો પૂરો પાડે છે. યુકેની ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકા વેક્સિનના એક બિલિયનથી વધુ ડોઝ ભારતની પૂણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદન કરાઈ રહ્યા છે. આપણા દેશોએ કોરોના વાઈરસ મહામારી દરમિયાન આપણા નાગરિકોને મેડિકલ સામાનનો પ્રવાહ જાળવવા સહકારથી કામગીરી બજાવી છે. યુકેને ભારત તરફથી ૧૧ મિલિયન માસ્ક અને પેરાસિટામોલના ૩ મિલિયન પેકેટ્સનો જથ્થો મળ્યો છે.
ભારતમાં ૪૦૦થી વધુ બ્રિટિશ કંપનીઓ
ભારતમાં ૪૦૦થી વધુ બ્રિટિશ કંપનીઓ કાર્યરત છે. આગામી વર્ષે ગ્લાસગોમાં આયોજિત COP26 સમિટ અગાઉ આપણા દેશો ગ્લોબલ એમિશન્સ ઘટાડવા સાથે મળી કામ કરી રહ્યા છે ત્યારે આપણી પાર્ટનરશિપ યુકેની ફર્મ્સ માટે રિન્યુએબલ એનર્જી અને ઈલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં નોકરીઓ અને તકોનું સર્જન કરી રહી છે.
જ્હોન્સનના પ્રવાસનો તખતો તૈયાર કરતા રાબ
વડા પ્રધાન જ્હોન્સન ભારત મુલાકાતનો ઉપયોગ યુકે સંબંધિત ક્ષેત્રોમાં આપણા સહકારને ઉત્તેજન આપવા માટે કરશે. ઉલ્લેખનીય છે કે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે મંગળવારે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પ્રતિનિધિ સ્તરે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સંરક્ષણ અને વિદેશ સંબંધો વિશેની વાતચીતમાં વડા પ્રધાન જ્હોન્સન સાથે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મંત્રણાના એજન્ડાનો પાયો બંધાયો હતો.
ચાર દિવસની ભારત મુલાકાતે ગયેલા ફોરેન સેક્રેટરીએ કહ્યું હતું કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને વડા પ્રધાન જ્હોન્સને સ્વીકાર્યું છે.
ભારત-બ્રિટન સંબંધ અન્યોન્ય
વર્ષ ૨૦૨૧માં ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ અને સિક્યુરિટી તેમજ હેલ્થ અને ક્લાઈમેટ ચેન્જ સહિતના ક્ષેત્રોમાં યુકેના આંતરરાષ્ટ્રીય સંપર્કોને પ્રાથમિકતા અપાશે. ભારત અને યુકે એકબીજાના અર્થતંત્રો માટે ગણનાપાત્ર રોકાણકાર અને બજાર બની રહ્યા છે. બંને દેશ વચ્ચે વાર્ષિક ૨૪ બિલિયન પાઉન્ડના મૂલ્યનો વેપાર અને રોકાણ છે તેમજ પાંચ લાખથી વધુ નોકરીઓને સપોર્ટ કરે છે.
યુકેમાં ૮૪૨ ભારતીય કંપનીઓ કાર્યરત
યુકેમાં ૪૧.૨ બિલિયન પાઉન્ડનું સંયુક્ત ટર્નઓવર ધરાવતી ૮૪૨ ભારતીય કંપનીઓ છે જેના દ્વારા સમગ્ર યુકેમાં રોજગાર સર્જન થાય છે. આ રોજગારીમાં ટાટા કન્સલ્ટન્ટિંગ સર્વિસીસની પીટરબરા, લિવરપૂલ અને એડિનબરા સહિતની સાઈટ્સ ખાતે ૧૯,૫૦૦ લોકો, ટુંક સમયમાં મિડલ્સબરા ખાતે નવી ઓફિસ ખોલનારી બિઝનેસ સપોર્ટ ફર્મ ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ માટે વોરિંગ્ટન, ડર્બી, કાર્ડિફ, ડેરી / લંડનડેરી અને બેલફાસ્ટમાં ૫,૭૦૦ લોકો તેમજ NHSને દવાઓ પૂરી પાડવા અને ઉત્પાદન કરનાર એકોર્ડ હેલ્થકેર લિમિટેડ દ્વારા ન્યૂકેસલ અને બાર્નસ્ટેપલ ખાતે ૧,૨૦૦ લોકોને નોકરીઓનો સમાવેશ થાય છે.


