લંડનઃ લેબર નેતાઓની દિલ્હી મુલાકાત દરમિયાન ભારતના બિઝનેસ અગ્રણીઓએ લંડનમાં પ્રવર્તતી ગુનાખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સાથેની મુલાકાતમાં રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગ સાહસિક ડેવિન નારંગે જણાવ્યું હતું કે, લંડનમાં પ્રવર્તતી ગુનાખોરી સૌથી મોટી ચિંતાનો વિષય છે. લંડનના હાર્દસમાન મે ફેરમાં લોકોને લૂટી લેવામાં આવે છે. ભારતના ઘણા સીઇઓને લંડનમાં લૂટ અને ચોરીનો ભોગ બનવું પડ્યું છે અને પોલીસ તરફથી કોઇ પ્રતિભાવ અપાતો નથી.
લંડનની સડકો પર અપરાધોએ માઝા મૂકી છે. ઘડિયાળો, હેન્ડ બેગ અને મોબાઇલ ફોન ચોરી અને લૂટી લેવાની ઘટનાઓ ચરમસીમા પર છે. ડિસેમ્બર 2023ના અંતે પૂરા થયેલા એક વર્ષમાં લંડનમાં આ પ્રકારની 72,756 ઘટના નોંધાઇ હતી જે 2022ની સરખામણીમાં 27 ટકાનો વધારો દર્શાવે છે. મે ફેર જેવા વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.
નારંગે જણાવ્યું હતું કે, લંડનમાં ભારતીયો પાસે ઘણી કિંમતી વસ્તુઓ હોય છે. તેની ચોરી પર પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. તમે હંમેશા સાવચેત હોતાં નથી. ચોરી અને લૂટના કારણે તમે લંડનની સડકો પર નીકળવાનું પસંદ કરતા નથી. તેની સરખામણીમાં તમે દિલ્હીમાં આવો. દિલ્હીમાં તમે સડકો પર આરામથી ફરી શકો છો અને તમારી સાથે કોઇ અપરાધ થતો નથી.

