લંડનઃ આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં બંને ભાગેડુ આર્થિક અપરાધી પાર્ટીમાં જલસા કરતા અને ગીતો ગાતા જોવા મળી રહ્યાં છે. આ પાર્ટીનું આયોજન લલિત મોદીએ કર્યું હોવાનું મનાય છે.
લલિત મોદીની પાર્ટીમાં 300થી વધુ લોકો હાજર રહ્યાં હતાં. વીડિયો શેયર કરતા લલિત મોદીએ જણાવ્યું હતું કે, 310 મિત્ર અને પરિવાર સાથે એક અદ્દભૂત રાત વીતાવી જેમાંથી ઘણા આ પાર્ટી માટે વિદેશથી પણ આવ્યા હતા. તેમણે આ પાર્ટીને યાદગાર બનાવી દીધી હતી. પાર્ટીમાં આઇપીએલ રમી ચૂકેલો ક્રિકેટર ક્રિસ ગેલ પણ નજરે પડ્યો હતો.
આ પ્રકારની પાર્ટીઓ બતાવે છે કે ભારતમાં આર્થિક કૌભાંડો કરીને યુકે નાસી આવેલા અપરાધીઓ કેવી જલસાભરી જિંદગી જીવી રહ્યાં છે. તેમને ભારત ખાતે પ્રત્યર્પિત કરવાના કેસો વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. તેઓ પ્રત્યર્પણ અટકાવવા માટે યુકેની કાયદાકીય આંટીઘૂંટીઓનો આબાદ ઉપયોગ કરી રહ્યાં છે.