ભારતના સ્ટાર્ટ અપ ખેયતી સહિત પાંચને અર્થશોટ પુરસ્કારથી સન્માનિત કરાયા

લંડનના નોટ્પ્લા અને કેન્યાના મુકુરુ ક્લીન સ્ટવનો પણ વિજેતાઓમાં સમાવેશ

Wednesday 07th December 2022 05:55 EST
 
 

લંડન

અમેરિકાના બોસ્ટન ખાતે આયોજિત એક સમારોહમાં બીજા વાર્ષિક અર્થશોટ પ્રાઇઝ એવોર્ડની જાહેરાત કરાઇ હતી.  આ વર્ષના અર્થશોટ પ્રાઇઝ એવોર્ડમાં પાંચ કેટેગરીમાં 1 મિલિયન પાઉન્ડના પુરસ્કાર એનાયત કરાયા હતા. એવોર્ડ પસંદગીની જ્યુરીમાં પ્રિન્સ વિલિયમ, જોર્ડનના ક્વીન રાનિયા અલ અબ્દુલ્લા, સર ડેવિડ એટનબરો, યુએનના પૂર્વ ક્લાઇમેટ ચેન્જ વડા ક્રિસ્ટિના ફિગરેસ, બિઝનેસમેન જેક મા અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લુસિયા ન્યૂબૌએર સામેલ હતાં. 

અર્થશોટ પ્રાઇઝ એવોર્ડ પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર, ક્લીન અવર એર, રિવાઇવ અવર ઓસન્સ, બિલ્ડ વેસ્ટ ફ્રી વર્લ્ડ અને ફિક્સ અવર ક્લાઇમેટ એમ પાંચ કેટેગરીમાં અપાયા હતા. એવોર્ડ વિજેતાઓમાં ભારતના સ્ટાર્ટઅપ ખેયતી, લંડન સ્થિત સ્ટાર્ટઅપ નોટપ્લા, કેન્યાના સ્ટાર્ટ અપ મુકુરુ ક્લીન સ્ટવ, ઓસ્ટ્રેલિયાના ક્લાઇમેટ પ્રોગ્રામ અને ઓમાન સ્થિત કંપની સામેલ છે.

ભારતનું સ્ટાર્ટ અપ ખેયતી નાના ખેડૂતોને ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ સામે લડવા મદદ કરે છે જ્યારે કેન્યાનું સ્ટાર્ટ અપ મુકુરુ ક્લીન સ્ટવ પ્રદૂષણ રહિત સ્ટવ ઉપલબ્ધ કરાવે છે. ઓસ્ટ્રેલિયન ક્લાઇમેટ ચેન્જ પ્રોગ્રામ ગ્રેટ બેરિયર રીફની જાળવણીમાં મદદ કરે છે જ્યારે ઓમાન સ્થિત કંપની કાર્બનને પથ્થરમાં તબદિલ કરી જમીનમાં દાટવાના પ્રોજેક્ટ ચલાવે છે. લંડન સ્થિત સ્ટાર્ટઅપ નોટ્પ્લા સીવીડમાંથી પેકેજિંગ મટિરિયલ બનાવી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં મદદરૂપ થઇ રહ્યું છે.

1960ના દાયકામાં અમેરિકી પ્રમુખ જ્હોન એફ કેનેડી દ્વારા મૂનશોટ ચેલેન્જ પુરસ્કાર શરૂ કરાયા હતા. તેનાથી પ્રેરિત થઇને પ્રિન્સ વિલિયમ દ્વારા અર્થશોટ પુરસ્કારનો પ્રારંભ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter