લંડનઃ ભારતની ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમ હેઠળ બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય દૂતાવાસની યાદી અનુસાર ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ના ભારતીય સ્વાતંત્ર્ય દિનથી નવા ૩૬ દેશને વિઝા ઓન એરાઈવલ જેવી આ યોજનામાં સમાવી લેવાયાં છે. આ સાથે કુલ ૧૧૩ દેશના નાગરિકો ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, અમદાવાદ અને જયપુર સહિત નવા સાત એરપોર્ટ્સને આ યોજના અન્વયે એન્ટ્રી માટે સત્તાવાર એરપોર્ટ્સ તરીકે સમાવાયાં છે, જેની કુલ સંખ્યા ૧૬ થશે.
ભારત સરકારે ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫થી અમલમાં આવે તે રીતે આર્જેન્ટીના, આર્મેનિયા, બેલ્જિયમ, કોલમ્બિયા, ક્યુબા, ગ્વાટેમાલા, હંગેરી, આયર્લેન્ડ, જમૈકા, મલેશિયા, મોંગોલિયા, મોઝામ્બિક, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સુરિનામ, સ્વીડન, તાઈવાન, ટાન્ઝાનિયા અને યુનાઈટેડ કિંગ્ડમ સહિત નવા ૩૬ દેશના નાગરિકોને તેની ઈ-ટુરિસ્ટ વિઝા સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત, ઈ-ટુરિસ્ટ વિઝા પર પ્રવેશના સત્તાવાર એરપોર્ટ્સમાં પણ નવા સાત ભારતીય એરપોર્ટ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવા સમાવિષ્ટ એરપોર્ટ્સ અમદાવાદ, અમૃતસર, ગયા, જયપુર, લખનૌ, ત્રિચી અને વારાણસી છે. આ સાથે હવે ઈ-ટુરિસ્ટ વિઝા પર પ્રવેશ કુલ ૧૬ એરપોર્ટ્સથી પ્રવેશ મેળવી શકાશે.
ભારતમાં આનંદપ્રમોદ, પર્યટન, મિત્રો અથવા સગાંસંબંધી સાથે મુલાકાત, ટુંકા ગાળાની તબીબી સારવાર અથવા બિઝનેસ વિઝિટ માટેનો હેતુ ધરાવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઈ-ટુરિસ્ટ વિઝા માટે પાત્ર ગણાય છે. જોકે, પાકિસ્તાની મૂળના અથવા પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતાં પ્રવાસી આ યોજનાનો લાભ મેળવી શકશે નહિ. અન્ય યોગ્યતા અને શરતોની વધુ માહિતી https://indianvisaonline.gov.in/visa/tvoa.html વેબસાઈટ પરથી મેળવી શકાશે.


