લંડનઃ યુકે સ્થિત શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીને દિલ્હીની એક અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની અપીલ પર ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત કર્યા છે. અદાલતે 2018ના ભાગેડૂ આર્થિક અપરાધી એક્ટ અંતર્ગત આ આદેશ જારી કર્યો છે.
આ આદેશને પગલે હવે ઇડી સંજય ભંડારીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુકેની અદાલતે સંજય ભંડારીના પ્રત્યર્પણને પરવાનગી આપી નથી અને તેમને ભારત લાવવાની સંભાવના નહીંવત છે.
2016માં સંજય ભંડારીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર આવકવેરા વિભાગના દરોડા બાદ તેઓ લંડન નાસી ગયા હતા. આવકવેરા વિભાગે સંજય ભંડારી વિરુદ્ધ રજૂ કરેલા આરોપનામાનું સંજ્ઞાન લઇ ઇડીએ સંજય ભંડારી વિરુદ્ધ ફેબ્રુઆરી 2017માં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.
સંજય ભંડારીના વકીલે આ આદેશનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સંજય ભંડારી યુકેમાં વસવાટનો કાયદાકીય અધિકાર ધરાવે છે તેથી તેઓ યુકેમાં ગેરકાયદેસર રહે છે તેમ કહેવું ગેરકાયદેસર છે. ભારત સરકારે યુકેની અદાલતના ચુકાદાનું પાલન કરવું જોઇએ. સંજય ભંડારીને ભાગેડૂ જાહેર કરવા ગેરકાયદેસર છે.